Ahmedabad News: અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપીને એક મહિલા પાસેથી રૂ.23,500 પડાવવાના આરોપમાં અલ્પેશ પરમાર નામના શખસની પોલીસે ધરપકડ (Fake Police Arrest) કરી છે. આરોપીએ મહિલાને અગાઉની આર્થિક લેવડદેવડમાં ફસાયેલા નાણાં પોલીસના રોફથી કઢાવી આપવાની ખાતરી આપી હતી. ફરિયાદ નોંધાયા બાદ ખોખરા પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી લીધો હતો અને મહિલાની પાસેથી પડાવેલી સંપૂર્ણ રકમ પણ રિકવર કરી છે.
Fake Police Arrest: પોલીસ હોવાનો દાવો કરીને મહિલાને વિશ્વાસમાં લીધી
પોલીસના જણાવ્યા અનુસાર, ખોખરા વિસ્તારમાં (Khokhra Police) રહેતાં અને વેપાર સાથે સંકળાયેલાં સંગીતાબેન પટેલના અન્ય વેપારીઓ પાસેથી અગાઉની લેવડદેવડના નાણાં બાકી નીકળતા હતા. આ દરમિયાન અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અલ્પેશ પરમારે તેમનો સંપર્ક કર્યો હતો. તેણે પોતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતો હોવાનું જણાવી બાકી નાણાં કઢાવી આપવાની ખાતરી આપી હતી. આ કામ કરાવી આપવાના બહાને તેણે સંગીતાબેન પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂ.23,500 મેળવી લીધા હતા.
જોકે, નાણાં આપ્યા બાદ પણ કોઈ કામ ન થતાં મહિલાને શંકા ગઈ હતી. ત્યારબાદ તેમણે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આખી રકમ રિકવર, પોલીસનું આઈ-કાર્ડ મળ્યું નહીં
ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.પી. સાવલિયાના જણાવ્યા મુજબ, ફરિયાદ મળતાં જ પોલીસે તપાસ શરૂ કરી અલ્પેશ પરમારને ઝડપી લીધો હતો. તેની પાસેથી મહિલાને છેતરીને મેળવેલી ₹23,500ની સંપૂર્ણ રોકડ (₹23500 Fraud) રકમ પણ કબજે કરવામાં આવી છે. જોકે, આરોપીની તપાસ દરમિયાન પોલીસનું કોઈ સત્તાવાર ઓળખપત્ર કે સરકારી સાધન-સામગ્રી મળી આવી નથી.
12 વર્ષમાં નકલી પોલીસ તરીકે ત્રણ વખત પકડાયો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે અલ્પેશ પરમાર (AlPesh Parmar) અગાઉ પણ નકલી પોલીસ બનીને લોકોને છેતરવાના કેસમાં પકડાઈ ચૂક્યો છે. વર્ષ 2014, 2018 અને 2025માં અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની સામે આવા ત્રણ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
હાલ ખોખરા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીએ અગાઉ અન્ય કેટલા લોકોને પોલીસની ખોટી ઓળખ આપીને નિશાન બનાવ્યા છે અને આ પ્રકારની વધુ છેતરપિંડીમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં જમીનના નામે 58.92 કરોડની છેતરપિંડી, 3 શખસો સામે ગુનો દાખલ
આ પણ વાંચો: શેરબજારમાં રોકાણના નામે ₹67.92 લાખની છેતરપિંડી, દુબઈ સુધી પહોંચ્યું નેટવર્ક
આ પણ વાંચો: ડેટિંગ એપ પર મિત્રતા કરી સુરતી યુવક સાથે રૂ.5.88 લાખની છેતરપિંડી, વારાણસીથી જિમ ટ્રેનરની ધરપકડ
