Surat News/ સુરતમાં ઠગાઈના બે કેસ: વિઝા એજન્સી સામે ફરિયાદ, સ્ક્રેપ વેપારીના કરોડો ફસાયા

સુરતમાં મહિલા વિઝા કન્સલ્ટન્ટ પાસેથી રૂ.22 લાખ અને સ્ક્રેપ વેપારી પાસેથી રૂ.1.04 કરોડથી વધુની છેતરપિંડીના આક્ષેપ સાથે બે પોલીસ ફરિયાદ (Surat Fraud Case) નોંધાઈ.

Surat Top Stories Gujarat Breaking News
Surat Fraud Case: વિઝાના નામે ₹22 લાખની ઠગાઈ!

Surat News: સુરત શહેરમાં વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીના બે અલગ-અલગ કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા (Surat Fraud Case) છે. પ્રથમ કિસ્સામાં વિઝા અને વર્ક પરમિટ અપાવવાના બહાને અડાજણની મહિલા કન્સલ્ટન્ટ પાસેથી રૂ.22 લાખ પડાવવામાં આવ્યા હતા. આ કેસમાં કથિત બોગસ દસ્તાવેજોને કારણે તેમના બે ક્લાયન્ટ પર એમ્બેસી દ્વારા 10 વર્ષનો પ્રતિબંધ મૂકાયો હોવાનો આક્ષેપ છે. બીજા કિસ્સામાં ભંગારના ધંધામાં 50 ટકા ભાગીદારી અને નફાની લાલચ આપીને રાંદેરના વેપારી સાથે રૂ.1.04 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

Surat Fraud Case: વિઝા અને વર્ક પરમિટના નામે રૂ.22 લાખ પડાવ્યાનો આક્ષેપ

અડાજણની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં 40 વર્ષીય નેહાબહેન જાદવે મુંબઈની ‘એચીવ ઇન્ટરનેશનલ’ એજન્સી સાથે સંકળાયેલા રોહિતસિંગ સોગરા અને હિના સુરા સામે અડાજણ પોલીસ (Adajan Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, નેહાબહેને પોતાના બે ક્લાયન્ટના વિઝા અને વર્ક પરમિટની પ્રક્રિયા માટે આરોપીઓને ગૂગલ-પે અને આંગડિયા મારફતે કુલ રૂ.22 લાખ ચૂકવ્યા હતા.

આરોપીઓએ બંને ક્લાયન્ટ માટે કથિત રીતે બોગસ કોસ લેટર તૈયાર કરીને એમ્બેસીમાં રજૂ કર્યા હતા. દસ્તાવેજો નકલી હોવાનું (Fake Visa Documents) સામે આવતાં એમ્બેસી દ્વારા બંને ક્લાયન્ટ પર 10 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

સમાધાન કરાર છતાં રૂ.19.80 લાખ પરત ન આપ્યાની ફરિયાદ

છેતરપિંડીની જાણ થતાં નેહાબહેને આરોપીઓ પાસે નાણાં પરત માગ્યાં હતાં. ત્યારબાદ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે આરોપીઓએ સમાધાન કરાર કર્યો હતો. જોકે, કરારમાં નક્કી કરેલી મુદત પૂરી થયા બાદ પણ બાકી રકમ પરત કરવામાં આવી નહોતી.

ફરિયાદ મુજબ, આરોપીઓ દ્વારા કરવામાં આવેલી આંશિક ચુકવણીમાં પણ કથિત ફ્રોડ થતાં ફરિયાદીનું બેંક એકાઉન્ટ રૂ.80 હજાર સાથે ફ્રીઝ થઈ ગયું હતું. અંતે બાકી રહેતા રૂ.19.80 લાખ પરત ન મળતાં નેહાબહેને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

50 ટકા ભાગીદારીની લાલચ આપી રૂ.1.04 કરોડ ઓળવ્યા

બીજા કિસ્સામાં ન્યૂ રાંદેરના ગોરાટ રોડ પર રહેતા 30 વર્ષીય સ્ક્રેપ વેપારી મોહસીન આરિફ લીલા સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ (Scrap Business Fraud) નોંધાઈ છે. ફરિયાદ મુજબ, અડાજણ પાટિયાના સજાદ સલીમ ભીમાણીએ પોતાની પાસે ભંગારના સપ્લાયના મોટા પરચેઝ ઓર્ડર હોવાનું જણાવી મોહસીનભાઈને ધંધામાં 50-50 ટકા ભાગીદારી અને નફાની લાલચ આપી હતી.

આ વિશ્વાસમાં આવીને મોહસીનએ કુલ રૂ.2,06,39,874નું રોકાણ કર્યું હતું. ધંધો બંધ થયા બાદ હિસાબ પેટે આરોપીએ રૂ.1.02 કરોડ ચૂકવ્યા હતા, પરંતુ બાકીના રૂ.1,04,39,874 પરત આપ્યા નહોતા. ફરિયાદ મુજબ, આરોપી વારંવાર નાણાં ચૂકવવાના વાયદા કરતો રહ્યો હતો.

આર્થિક ગુના નિવારણ શાખા તપાસ કરશે

આ મામલે રાંદેર પોલીસે સજાદ સલીમ ભીમાણી સામે ફરિયાદ નોંધી છે. કેસની વધુ તપાસ આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી છે. બંને કિસ્સામાં પોલીસ ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: ગાંધીનગરમાં નિવૃત્ત PSI સાથે 1.94 કરોડની છેતરપિંડી, ઊંચા નફાની લાલચ આપી ભાણિયા અને તેની પત્નીએ છેતર્યા

આ પણ વાંચો: ગુજરાતની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડ સાથે ₹69.10 લાખની છેતરપિંડી! 4% વળતરની લાલચ આપી ફસાવી

આ પણ વાંચો: કેનેડા મોકલવાના નામે અમદાવાદના યુવક સાથે ₹16.52 લાખની છેતરપિંડી! બે ચેક પણ બાઉન્સ