Business News : ધનતેરસના તહેવારને લઈને દેશભરના બજારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના પ્રાથમિક અંદાજ પ્રમાણે, આ વર્ષે ધનતેરસના એક જ દિવસમાં દેશભરમાં ₹1 લાખ કરોડથી વધુનો વેપાર (Dhanteras Business)થઈ શકે છે. આ વર્ષે ધનતેરસ પર ખરીદી (Dhanteras Shopping)ના જૂના રેકોર્ડ તૂટવાની શક્યતા છે. સોનું, ચાંદી, ઝવેરાત, વાસણો, ઇલેક્ટ્રોનિક્સ સહિતની વસ્તુઓની ખરીદીમાં જોરદાર તેજી આવવાની આશા છે. ખાસ કરીને સોના અને ચાંદીના વેચાણમાં (Gold Silver Sale)મોટો ઉછાળો જોવા મળવાની સંભાવના છે.
ધનતેરસ પર ₹1 લાખ કરોડના વેપારનો અંદાજ
CAITના અંદાજ પ્રમાણે, ધનતેરસના દિવસે દેશભરમાં ₹1 લાખ કરોડથી વધુનું ટર્નઓવર (Dhanteras Business)થઈ શકે છે. આ વખતે માત્ર સોના અને ચાંદીના વેચાણનો આંકડો જ ₹60,000 કરોડને પાર કરે તેવી શક્યતા છે. સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થયો હોવા છતાં ગ્રાહકોની ખરીદી કરવાની ઇચ્છામાં ઘટાડો થયો નથી.
ધનતેરસના શુભ અવસરે સોના-ચાંદીની ખરીદી (Gold Silver Sale)કરવી શુભ માનવામાં આવે છે. આ માન્યતાને કારણે દર વર્ષે જ્વેલરી બજારમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડે છે. આ વર્ષે પણ જ્વેલર્સને સારા વેપારની આશા છે. જોકે, મોંઘા ભાવને ધ્યાનમાં રાખીને ગ્રાહકો હવે પોતાના બજેટ પ્રમાણે ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે.
14 અને 18 કેરેટના સોનાના ઘરેણાંની માંગ વધી
સોનાના ભાવ ઊંચા હોવાથી જ્વેલરી ખરીદીની પસંદગીમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. ગ્રાહકો ભારે અને મોંઘા ઘરેણાંને બદલે હળવા વજનના દાગીના ખરીદવા તરફ વળી રહ્યા છે. ખાસ કરીને 14 અને 18 કેરેટના સોનાના ઘરેણાંની માંગમાં વધારો નોંધાયો છે.
ચાંદીના સિક્કા, સુશોભનની વસ્તુઓ તેમજ માછલી, કાચબા અને હાથી જેવા શુભ પ્રતીકો ધરાવતી ચાંદીની વસ્તુઓ પણ ગ્રાહકોને આકર્ષી રહી છે. ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશન (AIJGF)ના જણાવ્યા અનુસાર, કિંમતી ધાતુઓના ઊંચા ભાવ છતાં બજારમાં માંગ મજબૂત છે.
ગયા વર્ષે ₹6.05 લાખ કરોડનું ટર્નઓવર થયું હતું
CAITના આંકડા પ્રમાણે, ગયા વર્ષે તહેવારોની સિઝનમાં દેશભરમાં આશરે ₹6.05 લાખ કરોડનો વેપાર થયો હતો. જેમાં ₹5.40 લાખ કરોડનો વેપાર વિવિધ ચીજવસ્તુઓના વેચાણમાંથી જ્યારે અંદાજે ₹65,000 કરોડની આવક સેવા ક્ષેત્રમાંથી થઈ હતી.
આ વર્ષે સેવા ક્ષેત્રનું ટર્નઓવર પણ વધવાની સંભાવના છે. અંદાજ પ્રમાણે, તહેવારોની સિઝનમાં સેવા ક્ષેત્રનો વેપાર ₹80,000 કરોડથી ₹1 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. તેમાં પરિવહન, લોજિસ્ટિક્સ, હોટેલ, પર્યટન, કેટરિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
‘વોકલ ફોર લોકલ’થી સ્થાનિક વેપારીઓને ફાયદો
આ વર્ષે બજારમાં સ્થાનિક અને ભારતમાં બનેલી વસ્તુઓની માંગ પણ વધી રહી છે. ગ્રાહકો ‘વોકલ ફોર લોકલ’, ‘મેડ ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી પહેલથી પ્રેરિત થઈને સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપી રહ્યા છે.
CAITના જણાવ્યા પ્રમાણે, વિવિધ રાજ્યોનાં વેપારી સંગઠનો પાસેથી મળેલા આંકડા, ગ્રાહકોની માંગ અને ગ્રામીણ તથા નાના શહેરોના બજારોમાં વધેલી ખરીદીની પ્રવૃત્તિના આધારે આ પ્રાથમિક અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. ધનતેરસના દિવસે વાસ્તવિક વેચાણ અને ગ્રાહકોના પ્રતિસાદનું મૂલ્યાંકન કર્યા બાદ સંગઠન દ્વારા વેપારના વિગતવાર આંકડા જાહેર કરવામાં આવશે.
