Ahmedabad News: દિવાળીના પ્રવાસનું બુકિંગ કરાવતાં પહેલાં સાવચેત રહેવાની જરૂર છે. અમદાવાદમાં નેપાળ ટૂર માટે એર ટિકિટ બુક કરાવવાના નામે ટપાલ વિભાગના કર્મચારીઓ સાથે છેતરપિંડી થયાની ફરિયાદ (Ahmedabad Tour Fraud) નોંધાઈ છે. ઇસનપુરમાં રહેતી અને ઘરેથી ‘સોનુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ’ ચલાવતી મહિલા પાસેથી આરોપીએ ₹1.50 લાખ મેળવ્યા હોવાનો આક્ષેપ છે. બદલામાં 9 બોગસ ટિકિટ આપીને બાકીની ટિકિટો ન આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
Ahmedabad Tour Fraud: નેપાળ જવા માટે 20 કર્મચારીઓએ ટૂરનું આયોજન કર્યું
મળતી માહિતી મુજબ, ઇસનપુરના માનસી સોસાયટી વિસ્તારમાં રહેતાં 45 વર્ષીય સોનલબહેન ચુનારા છેલ્લાં પાંચ વર્ષથી ઘરેથી ‘સોનુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ’ ચલાવે છે. તેમના પતિ નિલેશ ટપાલ વિભાગના RMS વિભાગમાં ફરજ બજાવે છે.
વિભાગ સાથે જોડાયેલા લગભગ 20 કર્મચારીઓએ નેપાળ જવા માટે પ્રવાસનું આયોજન કર્યું હતું. સરકારી નિયમો મુજબ LTC ભથ્થું મેળવવા માટે એડવાન્સ ટિકિટ રજૂ કરવાની હોવાથી સોનલબહેને નારણપુરા સ્થિત ‘દ્વારકેશ હોલીડેયઝ (Dwarkesh Holidays) પ્રા. લિ.’ના સંચાલક તરીકે ઓળખ આપનાર વિમલ મૂળજીભાઈનો સંપર્ક કર્યો હતો.
48 કલાકમાં કન્ફર્મ ટિકિટ આપવાની ખાતરી
ફરિયાદ મુજબ, વિમલે 48 કલાકમાં તમામ કન્ફર્મ ટિકિટ આપવાની ખાતરી આપી ₹1.50 લાખની માગણી કરી હતી. આથી 7 એપ્રિલ 2026ના રોજ સોનલબહેને પતિના એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ મારફતે PhonePeથી ₹1 લાખ ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ આરોપીએ 9 ટિકિટ મોકલી હતી અને બાકીની ટિકિટ આપવા માટે વધુ ₹50 હજાર માગ્યા હતા. સોનલબહેને 10 એપ્રિલે પોતાના SBI ખાતામાંથી Google Pay મારફતે આ રકમ પણ મોકલી હતી. જોકે, ત્યારબાદ બાકીની ટિકિટો માગતાં આરોપી ટાળટૂળ કરવા લાગ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ઓફિસે તપાસ કરતાં ટિકિટો બોગસ હોવાનું સામે આવ્યું
11 એપ્રિલ 2026ના રોજ સોનલબહેન અને તેમના પતિ નારણપુરા સ્થિત કથિત ઓફિસે પહોંચ્યાં ત્યારે તેમને જાણવા મળ્યું કે ત્યાં વિમલ નામની કોઈ વ્યક્તિ કામ કરતી ન હોવાનું કહેવાયું હતું. અગાઉ આપવામાં આવેલી 9 ટિકિટો પણ બોગસ હોવાનું સામે આવ્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ (Fake Air Tickets) છે.
આરોપીનો ફોન બંધ આવતાં સોનલબહેને ઇસનપુર પોલીસ (Isanpur Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિમલ મૂળજીભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: AIથી બોગસ રેલવે ટિકિટનું રેકેટ ઝડપાયું: 3ની ધરપકડ
આ પણ વાંચો: ચોટીલામાં આરોગ્ય સાથે ચેડા! ડિગ્રી વગરનો 33 વર્ષીય બોગસ ડોક્ટર ઝડપાયો
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ: બોગસ રિપોર્ટ બદલ હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી
