Odisha News : હાઈપરસોનિક મિસાઈલ (hypersonic missile) ભારતીય સેનામાં વર્ષ 2027 થી 2029 વચ્ચે સામેલ થવા તૈયાર હોવાનું જણાવાયું છે. આ લોંગ રેન્જ મિસાઈલની મારક ક્ષમતા આશરે 1500 કિલોમીટર છે અને તે અવાજ કરતાં અનેક ગણી ઝડપે દુશ્મનના ઠેકાણાઓ પર પ્રહાર કરી શકે છે. શરૂઆતમાં દર વર્ષે 10થી 15 મિસાઈલ બનાવાશે, જે પછી વધારીને વાર્ષિક 25થી 40 યુનિટ સુધી લઈ જવાની યોજના છે.
hypersonic missile 15 મિનિટમાં 1500 કિમી અંતર કાપશે
સંરક્ષણ સંશોધન સંસ્થા DRDO દ્વારા વિકસાવાયેલી લોંગ રેન્જ એન્ટી-શિપ મિસાઈલ (long range anti-ship missile) બે તબક્કાની સોલિડ રોકેટ મોટરથી લોન્ચ થાય છે. ત્યારબાદ તે હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલ તરીકે લક્ષ્ય તરફ આગળ વધે છે.
તેની ટોચની ઝડપ 12348 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 1500 કિલોમીટરનું અંતર કાપવામાં તેને માત્ર 15 મિનિટ લાગશે, એવું જણાવાયું છે. દરિયામાં સ્થિર કે ગતિમાન દુશ્મન યુદ્ધજહાજો પર સચોટ પ્રહાર કરવાની ક્ષમતા પણ તેમાં હોવાનું કહેવાયું છે.
રડાર અને એર ડિફેન્સ સિસ્ટમ માટે ટ્રેક કરવી મુશ્કેલ
આ મિસાઈલનો ઉડાન માર્ગ જટિલ અને અનિશ્ચિત હોવાથી દુશ્મનના રડાર કે એર ડિફેન્સ સિસ્ટમ માટે તેને ટ્રેક કરવી કે વચ્ચેથી તોડી પાડવી લગભગ અશક્ય બની જાય છે, એવું જણાવાયું છે. સંપૂર્ણ સ્વદેશી સેન્સર અને એવિઓનિક્સ સિસ્ટમને કારણે તેનો પ્રહાર અત્યંત ચોક્કસ રહે છે.
શરૂઆતમાં તેને ભારતીય નૌકાદળ (Indian Navy)ની દરિયાકાંઠાની સુરક્ષા બેટરી માટે તૈયાર કરવામાં આવી રહી છે. આગામી સમયમાં યુદ્ધજહાજ અને એરક્રાફ્ટ પરથી પણ છોડી શકાય તેવા વેરિઅન્ટ તૈયાર કરાશે.
હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ, હવે ઉત્પાદન શરૂ
ઓડિશાના દરિયાકાંઠે થયેલા DRDO મિસાઈલ પરીક્ષણ (DRDO missile test) શ્રેણીબદ્ધ સફળ રહ્યા છે. તેમાં 1500 કિમીની રેન્જ અને ચોક્કસ નિશાન સાધવાની ક્ષમતા સાબિત થઈ હોવાનું જણાવાયું છે.
આ મિસાઈલ પ્રજાસત્તાક દિને પણ પ્રદર્શિત થઈ ચૂકી છે અને હવે સિરિયલ પ્રોડક્શન એટલે કે મોટા પાયે નિર્માણના તબક્કામાં પહોંચી છે. આખરી વપરાશકર્તા મૂલ્યાંકન પૂર્ણ થયા પછી તેને સશસ્ત્ર દળોને સોંપવામાં આવશે.
આત્મનિર્ભર ભારત અને અમેરિકા, રશિયા, ચીનની હરોળ
આ મિશાઈલના નિર્માણ બાદ હાઈપરસોનિક ટેક્નોલોજીમાં નિપુણતા મેળવીને ભારત અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોની હરોળમાં આવી ગયું છે. બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઈલ કરતાં આગળ નીકળીને તે મોટા એરક્રાફ્ટ કેરિયર્સ અને યુદ્ધજહાજોને સેંકડો કિલોમીટર દૂરથી ધ્વસ્ત કરી શકશે, એવું કહેવાયું છે. હિંદ મહાસાગરમાં વધતા તણાવ વચ્ચે તેને ગેમ ચેન્જર ગણાવવામાં આવી છે.
રેન્જ 3000 કિમી સુધી વધારવાની તૈયારી
આવી મિસાઈલનું નિર્માણ ખૂબ જટિલ અને ખર્ચાળ હોય છે. અત્યંત ઊંચા તાપમાનને સહન કરી શકે તેવી સામગ્રી અને ચોક્કસ ગાઈડન્સ સિસ્ટમ તૈયાર કરવી પડકારજનક છે. તેમ છતાં ભારતીય વૈજ્ઞાનિકો સફળ રહ્યા છે અને ભવિષ્યમાં રેન્જ 3000 કિલોમીટર સુધી લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.
નૌકાદળ ઉપરાંત આર્મી અને એરફોર્સ માટે પણ આ મિસાઈલ ઉપલબ્ધ બનશે. 2027 થી 2029 દરમિયાન તે ભારતની ત્રણેય સેનાઓને વધુ સુરક્ષા કવચ પૂરું પાડશે.
