Russia Attacks Ukraine Cities: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ સમય જતાં વધુ ને વધુ ભીષણ અને વિનાશક બની રહ્યું છે. મંગળવારે વહેલી સવારે રશિયાએ યુક્રેનના મુખ્ય શહેરો કિવ, નિપ્રો અને ખાર્કિવ પર મિસાઈલ અને ડ્રોન દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું છે અને અત્યાર સુધીમાં 9 નિર્દોષ લોકોના મોત થયા છે, જ્યારે 60 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
Russia એ નિપ્રો અને પાટનગર કિવમાં ભારે તબાહી
યુક્રેનના અલગ-અલગ શહેરોમાં રશિયન(Russia) મિસાઈલોએ કાળો કેર વર્તાવ્યો છે:
નિપ્રોમાં 5ના મોત: દક્ષિણ-પૂર્વના આ પ્રમુખ શહેરમાં રશિયન મિસાઈલ હુમલામાં 5 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. અહીં રહેણાંક મકાનો અને નિર્દોષ બાળકોના પ્લે-ગ્રાઉન્ડ પર મિસાઈલો પડતાં ભારે નુકસાન થયું છે.
કિવમાં 24 માળની બિલ્ડિંગ ધરાશાયી: પાટનગર કિવમાં રશિયાના હુમલામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 51 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મિસાઈલના સીધા પ્રહારને કારણે એક 24 માળની બિલ્ડિંગનો(Russia) મોટો ભાગ ધરાશાયી થઈ ગયો છે, જેના કાટમાળ નીચે અનેક લોકો દબાયા હોવાની આશંકા છે. આ ઉપરાંત ઓબોલોન જિલ્લામાં મિસાઈલનો કાટમાળ પડવાથી અનેક ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે.
ખાર્કિવમાં બાળકો સહિત 10 ઘાયલ: ખાર્કિવ શહેરમાં પણ ડ્રોન અને મિસાઈલ હુમલામાં બાળકો સહિત 10 લોકો લોહીલુહાણ થયા છે.
સબવે સ્ટેશનો બન્યા બંકર, યુદ્ધ રોકાવાના કોઈ સંકેત નહીં
હુમલાની તીવ્રતા એટલી ભયાનક હતી કે કિવમાં હજારો નાગરિકોએ પોતાનો જીવ બચાવવા માટે જમીનની નીચે આવેલા સબવે સ્ટેશનોમાં આશરો લેવો પડ્યો હતો. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ અગાઉ જ આવા મોટા હુમલાની ચેતવણી આપી હતી. સામા પક્ષે, રશિયાના ક્રાસ્નોદાર વિસ્તારમાં આવેલી ઇલસ્કી ઓઇલ રિફાઇનરી પર પણ યુક્રેન તરફથી ડ્રોન હુમલો કરાયો હોવાના અહેવાલ છે.
આ યુદ્ધ હવે 4 વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે, જ્યાં બંને પક્ષો એકબીજાના પાવર સપ્લાય અને ઓઇલ ફેસિલિટીઝને સતત નિશાન બનાવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર હાલમાં મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) ના સંઘર્ષો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોવાથી Russia-યુક્રેન યુદ્ધનો અંત નજીકમાં આવે તેવી આશાઓ હાલ તો ક્ષીણ દેખાઈ રહી છે.
આ પણ વાંચો : ઇરાનની ધમકી બાદ ટ્રમ્પ એક્શનમાં, ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે નવા યુદ્ધવિરામની જાહેરાત
આ પણ વાંચો : ઇરાને અમેરિકા સાથેની યુદ્ધવિરામ વાટાઘાટો અટકાવી, હોર્મુઝ બંધ કરવાની ચેતવણી આપતા મચ્યો હડકંપ
આ પણ વાંચો :આફ્રિકામાં ઇબોલા વાયરસનો આઉટબ્રેક, સંક્રમિતોની સંખ્યા 320ને પાર થતાં WHO એલર્ટ
