Bollywood News: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહની આગામી ફિલ્મ ‘પ્રલય’ના શૂટિંગને લઈને મુંબઈના આઝાદ મેદાનમાં વિવાદ ઊભો થયો (Pralay Movie Shooting) છે. ફિલ્મના શૂટિંગ માટે મેદાન પર મંજૂરી અપાતાં ઇન્ટર-સ્કૂલ ક્રિકેટ મેચો મુલતવી રાખવાની ફરજ પડી છે. આ નિર્ણય સામે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ મહારાષ્ટ્રના રમત વિભાગની ટીકા કરી છે. બીજી તરફ, ફિલ્મના નિર્માતા હંસલ મહેતાએ દાવો કર્યો છે કે પ્રોડક્શન ટીમે તમામ જરૂરી કાનૂની મંજૂરીઓ મેળવી હતી.
Pralay Movie Shooting: છ કલાકના શૂટિંગ માટે મેદાન ભાડે અપાયું
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે પ્રોડક્શન હાઉસ લાઇટ રેઝને મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાન પર છ કલાકના શૂટિંગ માટે મંજૂરી આપી હતી. આ માટે આશરે 5,000 ચોરસ વાર સરકારી જમીન ભાડે આપવામાં આવી હતી. તેના બદલામાં પ્રોડક્શન હાઉસ પાસેથી 40 હજાર રૂપિયા ભાડું અને 40 હજાર રૂપિયાની રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ લેવામાં આવી હતી.
આઝાદ મેદાન પર ફિલ્મના શૂટિંગ માટે પહેલીવાર મંજૂરી આપવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.

ક્રિકેટ મેચો મુલતવી રાખતાં MCAનો વિરોધ
શૂટિંગની મંજૂરીને કારણે ઇન્ટર-સ્કૂલ ક્રિકેટ મેચો મુલતવી રાખવી પડી હતી. આ નિર્ણયથી મુંબઈ ક્રિકેટ એસોસિએશન નારાજ થયું છે. MCAના કાઉન્સિલ સભ્ય નદીમ મેનને જણાવ્યું હતું કે આઝાદ મેદાન (Azad Maidan) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તાલીમ કેન્દ્ર તરીકે મહત્ત્વ ધરાવે છે.
તેમના જણાવ્યા મુજબ, મેદાન પર અગાઉ મેટ્રો એક્વાલાઇનના કોન્ટ્રાક્ટર અને પોલીસ વિભાગનો કબજો રહ્યો છે. હવે ફિલ્મના શૂટિંગને કારણે પણ ક્રિકેટ મેચો મુલતવી રાખવાની સ્થિતિ ઊભી થઈ રહી છે.

નિર્માતા હંસલ મહેતાએ શું કહ્યું?
ફિલ્મના નિર્માતા હંસલ મહેતા (Hansal Mehta)એ પ્રોડક્શન ટીમનો બચાવ કરતાં જણાવ્યું હતું કે શૂટિંગ માટે જરૂરી તમામ કાનૂની મંજૂરીઓ અગાઉથી મેળવી લેવામાં આવી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકારી અમલદારોની લાલફિતાશાહીને કારણે મુંબઈમાં ફિલ્મ શૂટિંગ કરવું મુશ્કેલ બની રહ્યું છે.
રમત વિભાગે નિર્ણયનો બચાવ કર્યો
બીજી તરફ, સરકારી અધિકારીએ મેદાન ભાડે આપવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, સરકારી પરિપત્ર દ્વારા રમત વિભાગને વર્ષમાં 30 દિવસ સુધી રમતગમત સિવાયની પ્રવૃત્તિઓ માટે મેદાન ભાડે આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
આથી ફિલ્મના શૂટિંગ માટે મંજૂરી આપવાનો નિર્ણય નિયમો હેઠળ લેવામાં આવ્યો હોવાનો અધિકારીએ દાવો કર્યો છે. જોકે, આ મંજૂરીને કારણે શાળાકીય ક્રિકેટ મેચો મુલતવી રાખવી પડતાં રમતગમત અને ફિલ્મ શૂટિંગ માટે જાહેર મેદાનના ઉપયોગ અંગે ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો: 6 વખત રિજેક્ટ થયું ગીત, 7મી વખત આ પંક્તિ સાંભળીને નમિત મલ્હોત્રાએ આપી મંજૂરી
આ પણ વાંચો: અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલાને બોમ્બથી ઉડાવવાની ધમકી, બોમ્બે HC પણ નિશાને
આ પણ વાંચો: પવન કલ્યાણના ભત્રીજા સાઈ દુર્ગા તેજની સગાઈ, રામ ચરણે શેર કરી ખાસ તસવીર
