National News : દિવાળીના પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ ખુશીઓના આ તહેવાર દરમિયાન અનેક પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. દેશના અલગ-અલગ રાજ્યોમાં આગ અને ભયાનક માર્ગ અકસ્માતો (Diwali Accident)ની અનેક ઘટનાઓ સામે આવી છે. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં બનેલી દુર્ઘટનાઓમાં માત્ર 12 કલાકની અંદર કુલ 36 લોકોનાં મોત થયા છે. ક્યાંક ઘરમાં લાગેલી આગે (Fire Accident)આખા પરિવારનો ભોગ લીધો તો ક્યાંક માર્ગ અકસ્માત (Road Accident)માં એકસાથે અનેક જિંદગીઓનો અંત આવ્યો હતો.
Diwali Accident : મધ્યપ્રદેશમાં બે અલગ-અલગ આગની ઘટનામાં 12નાં મોત
દિવાળીની રાત્રે મધ્યપ્રદેશના કટની જિલ્લાના બરહી વિસ્તારમાં ત્રણ માળની ઇમારતમાં ભીષણ આગ (Madhya Pradesh Fire) લાગી હતી. આગે જોતજોતામાં આખા મકાનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આ દુર્ઘટનામાં એક જ પરિવારના છ સભ્યોનાં મોત થયા હતા. મૃતકોમાં બે મહિનાનું માસૂમ બાળક પણ સામેલ હતું. આગની તીવ્રતા એટલી વધારે હતી કે બચાવ કામગીરી છતાં પરિવારના સભ્યોને બચાવી શકાયા નહોતા.
બીજી તરફ, સિઓની જિલ્લાના છાપરા શહેરના મહાવીર વોર્ડમાં સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે બુલિયન વેપારી કુંદન સોનીના ઘરમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના છ સભ્યોનાં મોત થયા હતા. મૃતકોમાં 75 વર્ષીય કુંદન લાલ સોની, 65 વર્ષીય રાજકુમારી સોની, 42 વર્ષીય રીતુ સોની, 40 વર્ષીય સ્મૃતિ સોની, 45 વર્ષીય સૂર્યા સોની અને 16 વર્ષીય આદિત્ય સોનીનો સમાવેશ થાય છે. ઘટનાસમયે ઘરમાં 10 લોકો હાજર હતા. અન્ય ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
દિલ્હીમાં ફટાકડાએ 10 વર્ષના બાળકનો જીવ લીધો
દિવાળીની ઉજવણી દરમિયાન દિલ્હીના નરેલા વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના બની હતી. પરિવાર સાથે ફટાકડા ફોડી રહેલા 10 વર્ષના બાળકના હાથમાં રહેલું દાડમ ફૂટતાં તે ગંભીર રીતે ઘાયલ થયું હતું. ફટાકડાનો પ્રહાર બાળકની છાતીમાં વાગતાં તે જમીન પર ઢળી પડ્યું હતું. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મુઝફ્ફરનગરમાં કાર આગનો ગોળો બની, 6નાં મોત
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં પાણીપત-ખાટીમા હાઇવે પર વહેલી સવારે લગભગ 5:30 વાગ્યે ભયાનક અકસ્માત (Road Accident)સર્જાયો હતો. શામલીથી મુઝફ્ફરનગર જઈ રહેલી એક કાર તિતાવી પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક ડિવાઇડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. ત્યારબાદ કારમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે કારમાં સવાર છ લોકોને બહાર નીકળવાની તક મળી નહોતી. તમામ છ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકો હરિયાણાના રહેવાસી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

લખનૌમાં બસ પલટી જતાં ત્રણ મુસાફરોનાં મોત
ઉત્તરપ્રદેશના લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર મુસાફરો ભરેલી બસ બેકાબૂ બનીને પલટી ગઈ હતી. પરા પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક બનેલી આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા હતા. બસમાં અંદાજે 50થી 60 મુસાફરો સવાર હતા અને તે રાજસ્થાનના રેવાડીથી બિહારના છપરા જઈ રહી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ, SDRF અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.
ચિત્રકૂટમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી, ચારનાં મોત
ચિત્રકૂટમાં દિવાળી મેળામાંથી પરત ફરી રહેલા લોકો સાથે ગંભીર અકસ્માત (Road Accident)થયો હતો. ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે જોડાયેલો હૂક છૂટી જતાં ટ્રોલી રસ્તા પાસેના ખાડામાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ટ્રોલીમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય 12 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
છત્તીસગઢમાં કાર નદીમાં ખાબકી, એક જ પરિવારના ચારનાં મોત
છત્તીસગઢના અભાનપુર વિસ્તારમાં રાજિમના ટીલા અનિકટ પાસે કાર નદીમાં ખાબકતાં એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત થયા હતા. મૃતકોમાં શીતલ સાહુ, તેમની પત્ની ભારતી સાહુ, 19 વર્ષીય પુત્ર વિકાસ અને 21 વર્ષીય પુત્રી પૂર્વાનો સમાવેશ થાય છે. પરિવાર દિવાળીની ઉજવણી માટે રાયપુરથી ઘરે પરત ફરી રહ્યો હતો. જોકે, રસ્તામાં સર્જાયેલા અકસ્માતે આખા પરિવારનો ભોગ લીધો હતો.

મહારાષ્ટ્રમાં કરિયાણાની દુકાનમાં આગ, પરિવારના છ સભ્યોનાં મોત
મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના યેદશી ગામમાં દિવાળીની રાત્રે કરિયાણાની દુકાનમાં ભીષણ આગ (Fire Accident)લાગી હતી. દુકાનના ઉપરના માળે રહેતા એક જ પરિવારના છ સભ્યો આગની ઝપેટમાં આવી જતાં જીવતા બળી ગયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ જીવ બચાવીને બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. આગની દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
તહેવારની ખુશીઓ વચ્ચે અનેક પરિવારોમાં માતમ
દિવાળીના પર્વ દરમિયાન બનેલી આ તમામ દુર્ઘટનાઓએ દેશને હચમચાવી દીધો છે. એક તરફ લોકો દીવા પ્રગટાવીને ખુશીઓ વહેંચી રહ્યા હતા, ત્યારે બીજી તરફ અનેક પરિવારો માટે આ તહેવાર જીવનભરનું દુઃખ બની ગયો હતો. આગ અને માર્ગ અકસ્માતો (Road Accident)ની આ ઘટનાઓએ ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા અને વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મહત્ત્વને ફરી એકવાર ઉજાગર કર્યું છે.
