બેકારી વધી, વેપાર ઉદ્યોગને ફટકો પડ્યો, આર્થિક કટોકટીના કારણે આપઘાતના બનાવો વધ્યા, ગરીબોની સંખ્યા વધી, આ બધી બાબતોને કોરોનાની અડઅસર જરૂર કહી શકાય
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
કોરોનાનો વ્યાપ ઘટી રહ્યો છે અને વધી રહ્યો છે તેવી ચર્ચાઓ ચાલું છે તેવે સમયે કેન્દ્ર સરકાર જેને અંતિમ હથિયાર અને મોટાભાગની રાજ્ય સરકારો જેને ઈચ્છા પડે ત્યારે અને કેટલાક પરીબળોની માગણી મુજબ વાપરવાનું હથિયાર માને છે તે લોકડાઉન અને તેના ટ્રેલર સમા મીની લોકડાઉનના કારણે સામાન્ય માનવી કેવો પીસાઈ રહ્યો છે તેની તો તપાસ કરો તો જ ખબર પડે. અધૂરામાં પૂરૂ હોય તેમ લોકોને મોંઘવારીનો માર પણ બરાબર અકળાવી રહ્યો છે. રૂપિયો ડોલર સામે ગગડવાનો ક્રમ અટકતો નથી. ઉત્તરપ્રદેશમાં પંચાયત ચૂંટણી યોજવાનો ખેલ યુ.પી.ની સરકાર અને ત્યાંના ભાજપને તો ભારે પડ્યો જ છે. જાે કે આ ચૂંટણીના પરિણામ ભલે ગમે તે આવ્યા પરંતુ તેની સજા તો પ્રજાને ભોગવવી પડી છે.

દેવભૂમિ દ્વારકામાં ફરસાણની દૂકાન ધરાવતા એક પરિવારને મીની લોકડાઉનની અસરરૂપે દૂકાન બંધ કરવી પડી, ઘરેથી ધંધો કરતા હતા, ઘરના મોભીને કોરોના લાગુ પડ્યો અને તેનું અવસાન થયું. તેની વિધી પતાવ્યા બાદ આ પરિવારના બાકીના ત્રણ સભ્યોએ હવે શું થશે ? તેવા ડરથી જીવાદોરી ટૂંકાવી. જ્યારે છેલ્લા દસ દિવસના આંકડા તપાસશો તો જણાશે કે ઓછામાં ઓછા દસ બનાવો એવા બન્યા છે કે જ્યાં માનવીએ આર્થિક કટોકટીના કારણે આપઘાત કર્યો હોય. ગુજરાતમાં માર્ચ ૨૫ થી જૂનની ૧૮મી સુધીના લોકડાઉનને આર્થિક કારણોસર ઘણા લોકોના ભોગ લીધા હતા. જ્યારે આ વખતની મીની લોકડાઉનની પણ ઘણા પરિવારોને અસર થઈ છે. ઘણા પરિવારોના ચૂલાઓ ‘લોક’ થઈ ગયા જેવી હાલત ઉભી થઈ છે. આ અંગે બે દિવસ પહેલા વિવિધ પ્રચાર માધ્યમો પર જે વાત આવી તેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે નાના વેપારીઓની હાલત સૌથી વધારે ખરાબ છે. ગુજરાતમાં ૧૫ દિવસથી નાના વેપારીઓને દૂકાનનો ખર્ચો કાઢવો તો મુશ્કેલ બન્યો છે પણ ઘરખર્ચ કાઢવામાં પણ ફાંફા પડે તેવી હાલત છે. પાનના ગલ્લાવાળાઓ હોય કે તૈયાર કપડાનું વેચાણ કરવાવાળા હોય કે પછી અન્ય નાના ધંધા કરનારા વેપારીઓ હોય તેમને ઘરખર્ચ નીકળતો નથી.

બ્રિટન અને અમેરિકામાં લોકડાઉનના કારણે કોરોના હળવો બન્યો હોવાની વાતો કરનારાઓને એ વાતનો ખ્યાલ નથી કે ત્યાં લોકડાઉન દરમિયાન એકપણ પરિવાર ભૂખ્યો ન સૂવે તેવી વ્યવસ્થા સરકારે જ કરી હતી. આપણે ગુજરાતમાં કોરોનાના કારણે ક્વોરેન્ટાઈન થયેલા લોકોને ટિફિન મોકલવાની વ્યવસ્થા સંસ્થાઓએ કરી છે. જાે કે આ વખતે સત્તાધારી પક્ષ તરીકે ભાજપે કરી છે તે સારી વાત છે. પરંતુ ગામડાઓનું શું ? તે વાત તો મોટો પ્રશ્નાર્થ બનીને રહી ગઈ છે.

જ્યારે અમેરિકા, બ્રિટન સહિતના દેશોમાં લોકડાઉનના કારણે રોજી ગુમાવનારાઓને સરકારે સાચવી લીધા છે. ત્યાં રહેનારા કોઈને પૂછો તો ખ્યાલ આવે કે બ્રિટનમાં જે લોકડાઉન લાગ્યો ત્યારે ત્યાંની સરકારે પ્રજાને કોઈ તકલીફ પડવા દીધી નહોતી. છતાંય ત્યાંની સરકારે પણ એ વાતની કબૂલાત કરી છે કે માત્ર લોકડાઉનના કારણે કોરોના ગયો નથી કે કેસો ઘટ્યા નથી. વેક્સીનેશનની ટકાવારી વધવાના કારણે કોરોનાનો કહેર ઘટ્યો છે.

ભારતમાં કેટલાક પ્રચાર માધ્યમો અને કહેવાતા નિષ્ણાતો લોકડાઉનની વકિલાત કરી ગૌરવ અનુભવે છે તો કેટલાક જમીન પર નજર રાખીને ચાલનારા નિષ્ણાતો એવા પણ છે કે જેઓ કહે છે કે લોકડાઉન કે મીની લોકડાઉન એ સુખી લોકો માટે આરામ કરવાનો અવસર છે તો દુઃખી લોકો માટે તો ભૂખ્યા રહેવું પડે કે રોજી ગૂમાવવાનો અવસર છે. હવે તો પ્રચાર માધ્યમો પણ એ વાત સ્વીકારતા થયા છે કે મીની લોકડાઉનના કારણે ઘણા શહેરોમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. છતાંય કોરોનાનો કહેર તો ધારણા મુજબ ઘટ્યો નથી તે પણ હકિકત છે.
દેશમાં પણ એપ્રિલ માસ દરમિયાન વિવિધ રાજ્યોમાં જે તબક્કાવાર લોકડાઉનનો જે આરંભ થયો તેના કારણે દેશમાં ૨૦ લાખ લોકોએ રોજગારી ગુમાવી છે. સુરતમાં નિયંત્રણો અને કોરોનાના વધતા કેસોના કારણે ટેક્સટાઈલ માર્કેટ લાંબા સમયથી બંધ છે અને તેના કારણે વેપારીઓને તો વ્યાપક સ્તરે ખોટ ગઈ જ છે પરંતુ તેની સાથોસાથ લાખો કર્મચારીઓની રોજી પર પણ ખતરો ઉભો થયો છે. મુંબઈની આવી જ હાલત છે ત્યાં વેપારીઓ લોકડાઉન હટ્યા બાદ દૂકાનો પૂર્ણપણે ખોલશે ત્યારે તેમાંના કેટલા અગાઉની જેમ દૂકાન ચલાવવા સક્ષમ હશે અને પોતાના કેટલા કર્મચારીઓની રોજી ટકાવી શકશે.

હવે તાજેતરમાં અર્થતંત્રના વિકાસ અંગે અહેવાલ તૈયાર કરતી સંસ્થાઓએ જે રિપોર્ટ બહાર પાડ્યો છે તે પ્રમાણે ઓગસ્ટ ૨૦૨૦થી જાન્યુઆરી ૨૦૨૧ સુધીના છ માસના ગાળામાં ભારતના જીડીપીમાં ઘટાડો થયો નહોતો. પરંતુ આંશિક વધારો થયો હતો. ટૂંકમાં દેશના અર્થતંત્રની ગાડી ધીરેધીરે પાટા પર ચડી રહી હતી પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે અને આ લહેરમાં જે ઝડપે સંક્રમણ વધ્યું તેના કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉન કે મીની લોકડાઉનનું શસ્ત્ર ઉગામવું પડ્યું તેની અસરરૂપે જીડીપી ઘટ્યો જ છે. જાે કે બીજી લહેર શા માટે વધુ ઘાતક કે કોરોનાનો વ્યાપ વધારનારી પૂરવાર થઈ તે માટે દેશનું ન્યાયતંત્ર ઘણીવાર કહી ચૂક્યું છે. બીજું કશું કહેવાની જરૂર નથી. કેન્દ્ર અને જે તે રાજ્યોની સરકારોએ ચૂંટણી પ્રચારમાં જે સમય વેડફ્યો તેની સાથોસાથ જેની ચેતવણી ડિસેમ્બર માસમાં મળી ચૂકી હતી તે કોરોનાની બીજી લહેર અંગે તૈયારી કરી હોત તો કોરોના આટલો બદો ઘાતક બનત નહિ તે હકિકત છે. હવે સંભવત ત્રીજી લહેર અંગે સરકાર જાગી છે તે સારી વાત છે પણ સાથોસાથ બગડેલું અર્થતંત્ર, વધેલી બેકારી અને આર્થિક કટોકટી આમ આદમીના જીવન પર ખતરો ઉભો ન કરે તે માટે પગલાં તો ભરવા જ પડશે.
