New Delhi News: ભારતીય ટી20 ટીમના પૂર્વ કપ્તાન સૂર્યકુમાર યાદવ(Suryakumar Yadav Politics)ની બે તસવીરોએ રાજકીય ગલિયારામાં નવી હલચલ મચાવી છે. કપ્તાની હેઠળ ભારતને 2026નો ટી20 વર્લ્ડ કપ જિતાડનાર સૂર્યાએ પત્ની દેવિશા શેટ્ટી અને પરિવાર સાથે નવી દિલ્હીમાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. 4-5 દિવસમાં બંને મોટા નેતાઓ સાથેની આ બેક-ટૂ-બેક મુલાકાતની તસવીરો સૂર્યા ઉપરાંત PM મોદી અને અમિત શાહે પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આથી અટકળો તેજ બની છે કે 2027ની ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં સૂર્યા કે તેમની પત્ની ભાજપ માટે મેદાનમાં ઊતરી શકે છે.
Suryakumar Yadav Politics: શું સૂર્યકુમારની પત્ની ઉત્તર પ્રદેશથી ચૂંટણી લડશે?
જો અટકળો સાચી પડે તો સૂર્યાની એન્ટ્રી ભાજપ માટે લાભદાયી અને સમાજવાદી પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સૂર્યા મુંબઈ રણજી ટીમ તરફથી રમે છે, પરંતુ તેમના મૂળ ઉત્તર પ્રદેશ સાથે પણ ઊંડા જોડાયેલા છે. અટકળો એવી પણ છે કે ભાજપ દેવિશા શેટ્ટીને UPની કોઈ મહત્વની બેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે. આ મુલાકાતને ભાવિ રાજકીય રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે. જોકે, આ તમામ વાતો માત્ર અટકળો છે અને કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
યાદવ વોટબેંક પર શું અસર પડી શકે?
આ અટકળો પાછળ સૌથી મોટું સમીકરણ ઉત્તર પ્રદેશની યાદવ વોટબેંક(Yadav Vote Bank) મનાય છે. UPમાં યાદવ સમાજ પરંપરાગત રીતે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીનો મજબૂત વોટબેંક ગણાય છે. સૂર્યકુમાર દેશના લોકપ્રિય ક્રિકેટર છે અને યાદવ સમુદાયમાં પણ તેમની ફેન ફોલોઇંગ છે. UPની લગભગ 24 કરોડ વસ્તીમાં 10 થી 11% આસપાસ યાદવ મતદારો છે. જો સૂર્યા કે તેમના પત્ની ભાજપની ટિકિટ પર ઊતરે, તો તેની સીધી અસર યાદવ મતદારો પર પડી શકે તેમ ચર્ચાય છે.
રવિન્દ્ર જાડેજાની પત્ની પર ભાજપ અગાઉ લગાવી ચૂકી છે દાવ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આ પ્રયોગ અગાઉ અજમાવી ચૂકી છે. ભારતીય ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા 2022ની ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપ તરફથી જીત્યા હતા. તેમણે AAPના કરશનભાઈ કર્મુરને હરાવ્યા હતા. રિવાબાની છબી ભારતીય સંસ્કારી વહુ જેવી છે અને તેઓ પોતાની વાત બેબાકીથી રાખે છે. આ કારણે સૂર્યાની પત્નીના મેદાનમાં ઊતરવાની વાતને અવગણી શકાય નહીં.
UPમાં સેલિબ્રિટીઓએ અગાઉ પણ જીતી છે મોટી ચૂંટણીઓ
ભારતીય રાજનીતિમાં સિનેમા અને રમતજગતની હસ્તીઓના ચૂંટણી મેદાનમાં ઉતરવાથી વોટબેંકના સમીકરણો પર અસર પડતી રહી છે.

મથુરાથી સતત ત્રણ વખત સાંસદ બનેલાં હેમા માલિની અને દિલ્હીથી જીતની હેટ્રિક લગાવનાર મનોજ તિવારી તેના ઉદાહરણ છે. મછલીશહર બેઠક પરથી 2024માં સાંસદ બનેલાં પ્રિયા સરોજ પણ છે, જેમની ક્રિકેટર રિંકુ સિંહ સાથે સગાઈ થયાની ચર્ચા છે. ગૌતમ ગંભીર, સુરેશ ગોપી અને કંગના રનૌત જેવા નામો પણ આ યાદીમાં ગણાય છે.
ગાઝીપુર સાથે સૂર્યકુમારનું જોડાણ, જ્યાં 7માંથી 5 બેઠકો પર સપાનો કબજો
સૂર્યકુમાર યાદવનું પૈતૃક જોડાણ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લા સાથે છે. તેઓ સૈદપુર વિધાનસભા ક્ષેત્રના હથૌડા ગામ સાથે જોડાયેલા છે, જ્યાં BARCમાં એન્જિનિયર તેમના પિતા અશોક કુમાર યાદવ રહે છે. આ બેઠક પર હાલ સપાના અંકિત ભારતીનો કબજો છે. ગાઝીપુર જિલ્લામાં કુલ 7 બેઠકો છે, જેમાંથી 5 સપા અને 2 ઓમપ્રકાશ રાજભરની SBSP (ભાજપને સમર્થન) પાસે છે. તેથી ભાજપને અહીં મજબૂત થવાની વધુ જરૂર છે.
PM મોદી અને અમિત શાહ સાથે ખાસ મુલાકાત
PM મોદી(PM Modi)ને મળ્યા બાદ સૂર્યકુમારે સોશિયલ મીડિયા પર આ ક્ષણને ખાસ અને દિલને સ્પર્શી જનારી ગણાવી હતી.

ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતમાં પણ પરિવાર સહજ જોવા મળ્યો હતો. 100થી વધુ T20 ઇન્ટરનેશનલમાં 3000થી વધુ રન બનાવનાર અને ભારતને બે T20 વર્લ્ડ કપ જિતાડનાર સૂર્યાના પરિવારની આ રાજકીય મુલાકાતોએ UP ચૂંટણી પહેલાં નવો રસપ્રદ વળાંક આપ્યો છે. હવે જોવાનું રહેશે કે આ અટકળો કેટલી સાચી પડે છે.
આ પણ વાંચો:સોનિયા ગાંધીના પુસ્તકમાં PM મોદીનો ઉલ્લેખ, બાબરીથી 2004 સુધીના અનેક ખુલાસા
આ પણ વાંચો:રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે PM મોદીનો ઝેલેન્સકીને ફોન: શાંતિ માટે ભારતે ફરી વ્યક્ત કરી તૈયારી
આ પણ વાંચો:‘મને નક્સલી કહ્યા, ચર્ચા કરીને બતાવે’, રાહુલ ગાંધીનો PM મોદીને ફરી પડકાર
