Vadodara News : ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટી (Central University of Gujarat)માટે એક ઐતિહાસિક શરૂઆત થઈ છે. યુનિવર્સિટીની સ્થાપના બાદ પ્રથમ વખત મહિલા વિદ્વાનને કુલપતિ (Woman Vice Chancellor)તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રો. વિજિતા સિંહ અગ્રવાલે (Vijita Singh Agrawal)સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નવા કુલપતિ તરીકે વિધિવત રીતે પદભાર સંભાળી લીધો છે. તેમની નિમણૂકને ઉચ્ચ શિક્ષણ (Higher Education)ક્ષેત્રે મહિલા નેતૃત્વની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
શૈક્ષણિક અને વહીવટી ક્ષેત્રે બહોળો અનુભવ
પ્રો. વિજિતા સિંહ અગ્રવાલ (Vijita Singh Agrawal)શૈક્ષણિક, સંશોધન અને વહીવટી ક્ષેત્રે લાંબો અનુભવ ધરાવે છે. આ જવાબદારી સંભાળતા પહેલાં તેઓ નવી દિલ્હીની ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી સાથે જોડાયેલા હતાં. અહીં તેમણે વિવિધ શૈક્ષણિક અને વહીવટી હોદ્દાઓ પર રહીને મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.
તેમના આ અનુભવનો લાભ હવે ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીને મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને સંશોધન, અભ્યાસક્રમોની ગુણવત્તા અને સંસ્થાકીય વિકાસના ક્ષેત્રે નવા આયામો ઉમેરાય તેવી અપેક્ષા છે.
આધુનિક ટેક્નોલોજી અને સંશોધન પર રહેશે ભાર
કુલપતિ તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રો. અગ્રવાલે યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સંસ્થાના ભવિષ્યના વિકાસ માટે પોતાનો અભિગમ રજૂ કર્યો હતો.
તેમણે શિક્ષણમાં નવીનતા, આંતરરાષ્ટ્રીય સ્તરનું સંશોધન, વિદ્યાર્થીઓના કલ્યાણ અને વહીવટી પારદર્શિતાને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. આ ઉપરાંત યુનિવર્સિટીમાં આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને વિદ્યાર્થીઓને રોજગારલક્ષી કૌશલ્ય પ્રાપ્ત થાય તે માટે નવા આયોજન કરવાની દિશામાં પણ ભાર મૂક્યો હતો.
મહિલા નેતૃત્વથી ઉચ્ચ શિક્ષણને મળશે નવી દિશા
સેન્ટ્રલ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ મહિલા કુલપતિ (Woman Vice Chancellor)તરીકે પ્રો. વિજિતા સિંહ અગ્રવાલ (Vijita Singh Agrawal)ની નિમણૂકને મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. આ નિમણૂકથી શૈક્ષણિક ક્ષેત્રે મહિલાઓની નેતૃત્વ ક્ષમતાને પણ પ્રોત્સાહન મળશે.
યુનિવર્સિટીના અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓએ નવા કુલપતિનું સ્વાગત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. હવે તેમના નેતૃત્વમાં યુનિવર્સિટી સંશોધન, શિક્ષણની ગુણવત્તા અને આધુનિક શૈક્ષણિક સુવિધાઓના ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
