Maharashtra News: મહારાષ્ટ્રના પુણેમાં આવેલી સિંહગઢ ટેક્નિકલ એજ્યુકેશન સોસાયટી (STES) (Sinhgad Education Society) અને તેની સાથે જોડાયેલી 44 શૈક્ષણિક સંસ્થાઓની નાણાકીય ગેરરીતિઓનો મામલો હવે ગંભીર બન્યો છે. બોમ્બે હાઈકોર્ટે આ સમગ્ર પ્રકરણની તપાસ કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને આવકવેરા વિભાગને સોંપવાનો આદેશ આપ્યો છે. સંસ્થાના શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓનો આઠ વર્ષથી વધુ સમયનો પગાર, પેન્શન સહિત 400 કરોડ રૂપિયાથી વધુની રકમ બાકી હોવાને પગલે આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.
આ મામલે કર્મચારીઓએ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટ (Bombay High Court)માં અરજી કરી હતી. આશરે 220 અરજીઓની સુનાવણી દરમિયાન સંસ્થાના નાણાકીય વ્યવસ્થાપન અને ભંડોળના ઉપયોગ અંગે ગંભીર સવાલો ઊભા થયા હતા. જસ્ટિસ જી.એસ. કુલકર્ણી અને જસ્ટિસ એ.એમ. સેઠનાની વિશેષ પીઠે સંસ્થાના સંચાલકોના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે સંચાલકોએ અગાઉના ન્યાયિક આદેશોનું પણ પાલન કર્યું નથી.
Sinhgad Education Society: દિવાળી પહેલાં 60 કરોડ ચૂકવવાનું વચન અધૂરું
સુનાવણી દરમિયાન સંસ્થાના સંચાલકોએ દિવાળી પહેલાં કર્મચારીઓના બાકી નાણાં ચૂકવવા માટે 60 કરોડ રૂપિયા આપવાની ખાતરી આપી હતી. જોકે, આ વચનનું પાલન કરવામાં આવ્યું નહોતું અને કર્મચારીઓને કોઈ રકમ મળી નહોતી (Pune Education Scam). કોર્ટે આ બાબતે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે સંસ્થાને મળતું ભંડોળ અન્યત્ર વાળવામાં ન આવે તો જ કર્મચારીઓને તેમનો બાકી પગાર મળી શકે છે.
400 કરોડથી વધુના ભંડોળની તપાસના આદેશ
હાઈકોર્ટે પ્રાથમિક દૃષ્ટિએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે કર્મચારીઓને ચૂકવવા માટે ઉપલબ્ધ ભંડોળ અન્ય હેતુઓ માટે વાળવામાં આવ્યું હોઈ શકે છે. 400 કરોડ રૂપિયાથી વધુની બાકી રકમ અને સંસ્થાના નાણાકીય વ્યવહારો અંગે ગંભીર તપાસ જરૂરી હોવાનું કોર્ટે જણાવ્યું હતું.
સુનાવણી દરમિયાન કોર્ટે કર્મચારીઓની આર્થિક મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. સંસ્થાની લાંબા સમયની નિષ્ક્રિયતાને કારણે કર્મચારીઓની આજીવિકા પર ગંભીર અસર થઈ હોવાનું નોંધતાં આશરે 13 શિક્ષકોના આપઘાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ટ્રસ્ટીઓની સંપત્તિ અને બેન્ક ખાતાં ફ્રીઝ
આ પહેલાં હાઈકોર્ટે સંસ્થાના ટ્રસ્ટીઓને તેમની સંપત્તિની વિગતો સોગંદનામા મારફતે રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ વિગતોની તપાસ બાદ કોર્ટે આશંકા વ્યક્ત કરી હતી કે શૈક્ષણિક સંસ્થાઓ માટે ઉપલબ્ધ ભંડોળ ગાયબ થયું હોઈ શકે છે અથવા અન્ય વ્યવસાયોમાં વાળવામાં આવ્યું હોઈ શકે છે.
આથી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓનાં બેન્ક ખાતાં, રોકાણો તથા સંપત્તિઓ ફ્રીઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આઠ ટ્રસ્ટીઓને કોર્ટના આદેશોનું પાલન ન કરવા બદલ અવમાનનાની કાર્યવાહી અંગે કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.
ED, CBI અને આવકવેરા વિભાગ કરશે અલગ-અલગ તપાસ
કર્મચારીઓના પગાર અને અન્ય ચૂકવણીઓ માટેનું ભંડોળ વિદેશમાં મોકલવામાં આવ્યું હોવાની આશંકા સહિત મની લોન્ડરિંગના પાસાંની તપાસ ED કરશે. બીજી તરફ, CBI નાણાકીય ગેરરીતિઓ અને ભંડોળ અન્યત્ર વાળવાના આરોપોની તપાસ કરશે. આવકવેરા વિભાગ સંસ્થાના નાણાકીય વ્યવહારોની તપાસ કરશે.
ત્રણેય કેન્દ્રીય એજન્સીઓને 19 નવેમ્બર સુધીમાં પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે. હવે આ તપાસમાં સંસ્થાના નાણાકીય વ્યવહારો અને કર્મચારીઓના બાકી નાણાં અંગે શું વિગતો સામે આવે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: રેપિડો સામે પુણેમાં FIR! એપમાંથી બાઇક-ટેક્સીનો વિકલ્પ હટાવવાની તૈયારી
આ પણ વાંચો: પુણેમાં ડીજેના વિરોધ સામે કાર્યકર્તા વિદ્યાનંદ બાપટ પર લાઇવ મિડિયા ઇન્ટરવ્યુમાં હુમલો
આ પણ વાંચો: પુણેમાં બે મહિલા પોલીસ કોન્સ્ટેબલના પ્રેમની ચર્ચા: લગ્નની તૈયારી વચ્ચે પરિવારનો વાંધો
