Ladakh News: લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુક (Sonam Wangchuk)ને 60 દિવસ માટે નજરકેદ (હાઉસ અરેસ્ટ) કરવામાં આવ્યા છે. તેમને કોઈપણ રેલી કે સરઘસમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લેહના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ADM) દ્વારા આપવામાં આવેલા આદેશ પાછળનું કારણ લદ્દાખમાં 4 ડિસેમ્બરે યોજાનારી ‘હિલ કાઉન્સિલ’ની ચૂંટણી છે. લદ્દાખના લોકો આ ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે અને વાંગચુકે પણ આ વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો.
BNSSની કલમ 163 હેઠળ પ્રતિબંધ
વહીવટીતંત્રે પોલીસ રિપોર્ટ અને લેહ પોલીસ વડાના પત્રનો હવાલો આપ્યો છે, જેમાં સાવચેતીના પગલાં લેવા અને વાંગચુક પર પ્રતિબંધો લાદવાની વિનંતી કરાઈ હતી. મેજિસ્ટ્રેટ દ્વારા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા‘ (BNSS)ની કલમ 163 હેઠળ તેમની હિલચાલ પર પ્રતિબંધ મૂકાયો છે. આ આદેશ 60 દિવસ સુધી અમલમાં રહેશે.
કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી લદ્દાખમાં પ્રથમ ચૂંટણી
લદ્દાખમાં ‘ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ’ (સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદ)ની ચૂંટણી 4 ડિસેમ્બરે યોજાવાની છે, જેનો વિરોધ થઈ રહ્યો છે. 2019માં લદ્દાખ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું ત્યારથી ત્યાં યોજાનારી આ પ્રથમ મોટી ચૂંટણી છે. કુલ 8 હિલ કાઉન્સિલ માટે ચૂંટણી યોજાશે, જેમાં કુલ 100 બેઠકો છે અને તેમાંથી 36 બેઠકો મહિલાઓ માટે અનામત છે.
આંદોલન વચ્ચે યોજાઈ રહી છે ચૂંટણી
આ ચૂંટણી લેહ અને કારગિલમાં ચાલી રહેલા લાંબા સમયના આંદોલન વચ્ચે યોજાઈ રહી છે, જ્યાં રાજકીય અને નાગરિક સમાજના જૂથો રાજ્યનો દરજ્જો (સ્ટેટહુડ) અને બંધારણની છઠ્ઠી અનુસૂચિ (Sixth Schedule) હેઠળ બંધારણીય સુરક્ષાની માંગ કરી રહ્યા છે. લદ્દાખના મુખ્ય સચિવ આશિષ કુંદ્રાના જણાવ્યા અનુસાર, લેહ અને કારગિલ બંનેમાં બેઠકોની સંખ્યા અગાઉ 26-26 હતી, જે વધારીને 50-50 કરવામાં આવી છે. પરિણામે, આઠ કાઉન્સિલની રચના સાથે કુલ બેઠકો 100 થઈ છે.
Sonam Wangchukને નજરકેદ કેમ કરાયા?
વાંગચુક અને અન્ય સ્થાનિક નેતાઓએ હિલ કાઉન્સિલની ચૂંટણીના સમયગાળા (Timing)નો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે શિયાળાની ઋતુ અને સ્થાનિક વસ્તીના મોસમી સ્થળાંતરને કારણે લદ્દાખના ઘણા મતદારો મત આપી શકશે નહીં. વાંગચુકે સતત આનો વિરોધ કર્યો અને આ મુદ્દે ધરણાં કરવાની જાહેરાત પણ કરી હતી. 12 નવેમ્બરે તેમણે ‘X’ (Twitter) પર વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો કે તેમને નજરકેદ કરાયા છે. તેમણે જણાવ્યું કે તેમના ઘરની બહાર 20-25 સશસ્ત્ર જવાનો તૈનાત છે અને તેઓ તેમના પર નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો: લદ્દાખ ચૂંટણી વિવાદ: મધરાતે સોનમ વાંગચુકને પોલીસે હટાવ્યા
આ પણ વાંચો: ‘બધાને મુક્ત કરો, નહીંતર ઉપવાસ કરીશ’: સોનમ વાંગચુકનું સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ
આ પણ વાંચો: લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે? સોનમ વાંગચુકની 20 કિમી પદયાત્રા બાદ ફરી ચર્ચામાં આવ્યો મુદ્દો
