Srinagar News/ લદ્દાખ ચૂંટણી વિવાદ: મધરાતે સોનમ વાંગચુકને પોલીસે હટાવ્યા

લદ્દાખમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને (Ladakh Election)લઈને રાજકીય તણાવ વધી રહ્યો છે

India
લદ્દાખમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને (Ladakh Election)લઈને રાજકીય તણાવ વધી રહ્યો છે

Srinagar News : લદ્દાખમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને (Ladakh Election)લઈને રાજકીય તણાવ વધી રહ્યો છે. ચૂંટણીના સમયપત્રક અને કડકડતી ઠંડી વચ્ચે મતદાન યોજવાના નિર્ણયનો વિરોધ કરી રહેલા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક (Sonam Wangchuk)ને પોલીસે મધરાતે વિરોધ સ્થળેથી હટાવ્યા હતા. પોલીસે તેમને તેમના ઘરે પહોંચાડીને હાલ ઘરે જ રહેવાની સલાહ આપી છે. બીજી તરફ, વાંગચુકે કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે ચૂંટણીના નિર્ણયને કારણે લદ્દાખમાં ફરી મોટું આંદોલન (Ladakh Protest)શરૂ થઈ શકે છે.

મધરાતે પોલીસ કાર્યવાહી, વાંગચુકને ઘરે પહોંચાડ્યા

ગુરુવારે વહેલી સવારે લદ્દાખ પોલીસે નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા પ્રતિબંધક આદેશો લાગુ કરવામાં આવ્યા છે. આ આદેશ હેઠળ લેહ મ્યુનિસિપલ વિસ્તારમાં જાહેર રેલીઓ, વિરોધ પ્રદર્શનો, ધરણાં અને અન્ય સામૂહિક કાર્યક્રમો પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાવચેતીના પગલાંરૂપે સોનમ વાંગચુક (Sonam Wangchuk)ને વિરોધ સ્થળેથી હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસે તેમને હાલ ઘરે રહેવાની સલાહ પણ આપી છે.

વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી સક્ષમ અધિકારીઓ દ્વારા જારી કરાયેલા પ્રતિબંધક આદેશો હેઠળ કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન જાહેર શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નાગરિકોને આદેશોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

4 ડિસેમ્બરની ચૂંટણી સામે વાંગચુકનો વિરોધ

સોનમ વાંગચુક (Sonam Wangchuk)ઉપરાંત લેહ એપેક્સ બોડી (LAB) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA)ના નેતાઓએ પણ ચૂંટણીના સમયપત્રક સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે લદ્દાખમાં ડિસેમ્બર મહિનામાં ભારે ઠંડી અને હિમવર્ષાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં ચૂંટણી યોજવાથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

વાંગચુકે દાવો કર્યો છે કે લદ્દાખની આશરે 25 ટકા વસ્તી હાલ અભ્યાસ, રોજગાર અને અન્ય કારણોસર પ્રદેશની બહાર છે. વિદ્યાર્થીઓ પણ દેશનાં અલગ-અલગ શહેરોમાં અભ્યાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મતદારોની હાજરી ઓછી રહેવાની શક્યતા છે.

તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે લેહ, કારગિલ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો બહાર છે અને હવામાન પણ પ્રતિકૂળ છે, ત્યારે ચૂંટણી યોજવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે?

કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની અપીલ

વાંગચુકે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં લદ્દાખના સ્થાનિક સાંસદ સહિત લેહ અને કારગિલના નેતાઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.

વાંગચુકે કહ્યું કે લદ્દાખમાં લોકશાહી વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે ચાલી રહેલી વાતચીતથી કોઈ ઉકેલ આવ્યો નથી. તેમણે ચિંતા વ્યક્ત કરી કે સ્થાનિક લોકોની મુશ્કેલીઓ અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના ચૂંટણી પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.

તેમણે ચેતવણી આપી છે કે જો ચૂંટણીના સમયપત્રક અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો લદ્દાખમાં ફરી એકવાર આંદોલન શરૂ થઈ શકે છે.

21 નવેમ્બર અને 4 ડિસેમ્બરે મતદાન

લદ્દાખમાં મ્યુનિસિપલ અને હિલ કાઉન્સિલની ચૂંટણીઓ (Ladakh Election)માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. લેહ અને કારગિલ મ્યુનિસિપલ સમિતિઓ તથા પંચાયતો માટે 21 નવેમ્બરે મતદાન યોજાવાનું છે, જ્યારે લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC)ની આઠ સંસ્થાઓ માટે 4 ડિસેમ્બરે ચૂંટણી (LAHDC Election)યોજાવાની છે.મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા આદર્શ આચારસંહિતા (MCC) લાગુ કરવામાં આવી છે, જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

વહીવટીતંત્રનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન રાજકીય ધરણાં, રેલીઓ અને સામૂહિક વિરોધ પ્રદર્શનોને કારણે મતદારો પર અસર થઈ શકે છે તથા જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચી શકે છે. બીજી તરફ, ચૂંટણીના સમયને લઈને સ્થાનિક નેતાઓનો વિરોધ યથાવત્ છે. હવે આ વિવાદમાં કેન્દ્ર સરકાર શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો : ‘બધાને મુક્ત કરો, નહીંતર ઉપવાસ કરીશ’: સોનમ વાંગચુકનું સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ

આ પણ વાંચો :  લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે? સોનમ વાંગચુકની 20 કિમી પદયાત્રા બાદ ફરી ચર્ચામાં આવ્યો મુદ્દો

આ પણ વાંચો :  સોનમ વાંગચુક સાથેના સંબંધો પર CJP પ્રમુખ અભિજિત દીપકેનું નિવેદન; કહ્યું- ‘તે અમારા મેન્ટર છે’