National News : ભારતીય રાજકારણમાં ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે. હૈદરાબાદમાં યોજાયેલી ભારત સમિટ (Bharat Summit)ને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) એ કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે રાહુલ ગાંધી પર ભારત વિરોધી શક્તિઓને એક મંચ પૂરું પાડવાનો અને દેશની છબી ખરડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ રાહુલ ગાંધીને ‘અરાજક, અપરિપક્વ અને રાષ્ટ્રવિરોધી’ ગણાવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જેવા નેતા વિપક્ષના નેતા હોવા એ દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે.
ભાજપે ભારત સમિટને ગણાવી ‘ભારત વિરોધી સમિટ’
ભાજપના મુખ્યાલયમાં પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા ગૌરવ ભાટિયાએ 14 નવેમ્બરે યોજાયેલી ભારત સમિટને (Bharat Summit)લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આ કાર્યક્રમને ભારત સમિટ કહેવાને બદલે ‘ભારત વિરોધી સમિટ’ કહેવું વધુ યોગ્ય રહેશે.

ભાટિયાના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી (Rahul Gandhi)એવા લોકોને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેઓ ભારતની છબીને નુકસાન પહોંચાડે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી દેશની અંદર અરાજકતા અને અસ્થિરતા ઊભી થાય તેવા પ્રયાસોને પ્રોત્સાહન આપી રહ્યા છે.
વિદેશી નેતાના નિવેદનને લઈને ભાજપનો વાંધો
ભાજપે સમિટમાં હાજર રહેલા ઇટાલિયન નેતા અને યુરોપિયન સોશિયાલિસ્ટ પાર્ટીના સેક્રેટરી જનરલ ગિયાકોમો ફિલિબેકનીની હાજરીને પણ મુદ્દો બનાવ્યો હતો. ગૌરવ ભાટિયાએ આરોપ લગાવ્યો કે ફિલિબેકનીને ભારતીય મંચ પરથી ‘મત ચોર, ગાદી છોડો’ જેવા નારા લગાવવાની તક આપવામાં આવી હતી.
તેમણે સવાલ ઉઠાવ્યો કે ભારતના આંતરિક રાજકીય અને ચૂંટણી સંબંધિત મુદ્દાઓ પર કોઈ વિદેશી નાગરિક ભારતીય મંચ પરથી ટિપ્પણી કેવી રીતે કરી શકે? ભાજપના મતે, આ પ્રકારની ટિપ્પણીઓ દેશના લોકશાહી જનાદેશનું અપમાન છે.
રાહુલ ગાંધીના વર્તન પર પણ ઉઠાવ્યા સવાલ
ગૌરવ ભાટિયાએ દાવો કર્યો હતો કે વિદેશી નેતાની ટિપ્પણી દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi)તાળીઓ પાડતા અને હસતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ આવી ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવવો જોઈતો હતો.
ભાટિયાએ સવાલ કર્યો કે જ્યારે દેશની લોકશાહી વ્યવસ્થા અને સાર્વભૌમત્વ અંગે ટિપ્પણીઓ થઈ રહી હતી, ત્યારે રાહુલ ગાંધી તેને રોકવાને બદલે તાળીઓ કેમ પાડી રહ્યા હતા? ભાજપે આ મુદ્દે રાહુલ ગાંધીની ભૂમિકા પર સવાલો ઊભા કર્યા છે.
ચૂંટણીમાં હારથી રાહુલ ગાંધી હતાશ હોવાનો દાવો
ભાજપના પ્રવક્તાએ રાહુલ ગાંધીની રાજકીય કામગીરી અને ચૂંટણી પરિણામોને લઈને પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વારંવારની ચૂંટણી હારને કારણે રાહુલ ગાંધી હતાશ છે.
ભાટિયાએ દાવો કર્યો કે રાહુલ ગાંધી (Rahul Gandhi)પોતાની રાજકીય નિષ્ફળતાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે નફરતની રાજનીતિ કરી રહ્યા છે. તેમણે કોંગ્રેસની ચૂંટણીમાં થયેલી હારનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીની નેતાગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જોકે, આ સમગ્ર મામલે ભાજપ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ રાજકીય આક્ષેપો છે.
આ પણ વાંચો: ‘મારો ફોન ટેપ થઈ રહ્યો છે, મારી પાસે પુરાવા છે’, રાહુલ ગાંધીનો મોટો આરોપ
આ પણ વાંચો: ‘મને નક્સલી કહ્યા, ચર્ચા કરીને બતાવે’, રાહુલ ગાંધીનો PM મોદીને ફરી પડકાર
આ પણ વાંચો: કોંગ્રેસની બેઠકો વધારવા રાહુલ ગાંધીને 7 સલાહ, કિરેન રિજિજુનો મોટો કટાક્ષ
