National News/ સંજય રાઉતને સુપ્રીમ કોર્ટની ફટકાર: ‘માફી દિલથી આવવી જોઈએ, દિમાગથી નહીં’

સુનાવણી દરમિયાન જસ્ટિસ અરવિંદ કુમારે સંજય રાઉતને (Sanjay Raut)તેમના નિવેદનોમાં સંયમ જાળવવાની સલાહ આપી હતી

India
સુપ્રીમ કોર્ટમાં CJI વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના મામલે સુનાવણી દરમિયાન જસ્ટિસ અરવિંદ કુમારે સંજય રાઉતને Sanjay Raut)શબ્દો પર સંયમ રાખવાની ટકોર કરી હતી

National News : સુપ્રીમ કોર્ટમાં CJI વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના મામલે સુનાવણી દરમિયાન જસ્ટિસ અરવિંદ કુમારે સંજય રાઉતને Sanjay Raut)શબ્દો પર સંયમ રાખવાની ટકોર કરી હતી. નિખિલ વાગલેના ટ્વીટ પર પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હવે 8 ડિસેમ્બરે આગામી સુનાવણી થશે.

સુપ્રીમ કોર્ટમાં સંજય રાઉતની હાજરી, શબ્દો પર સંયમ રાખવા ટકોર

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીના (CJI Controversy)મામલે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court)મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શિવસેના (UBT)ના નેતા અને સાંસદ સંજય રાઉત (Sanjay Raut)કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યા હતા. જ્યારે વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણીમાં જોડાયા હતા.

સુનાવણી દરમિયાન જસ્ટિસ અરવિંદ કુમારે સંજય રાઉતને (Sanjay Raut)તેમના નિવેદનોમાં સંયમ જાળવવાની સલાહ આપી હતી. કોર્ટે કહ્યું કે તમે એક અનુભવી સાંસદ છો અને અખબારના તંત્રી પણ છો. તેથી જાહેર જીવનમાં શબ્દોનો ઉપયોગ કરતી વખતે કેટલી જવાબદારી રાખવી જોઈએ તેની તમને જાણ હોવી જરૂરી છે.

કોર્ટે એ પણ સવાલ ઉઠાવ્યો હતો કે નોટિસ મળ્યા બાદ પણ આ પ્રકારનાં નિવેદનો આપવામાં આવ્યાં હતાં કે કેમ? સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે આ મામલાના બે પાસાં છે અને માફી માત્ર ઔપચારિક ન હોવી જોઈએ.

‘માફી દિલથી આવવી જોઈએ, દિમાગથી નહીં’

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court)માફીના મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આટલા ગંભીર મામલામાં માફી માત્ર કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ન હોવી જોઈએ. માફી દિલથી આવવી જોઈએ, દિમાગથી નહીં.

કોર્ટની આ ટિપ્પણીને સંજય રાઉતના વર્તન અને માફી અંગેના વલણ સાથે જોડીને જોવામાં આવી રહી છે. કોર્ટે તેમને જાહેર જીવનમાં જવાબદારીપૂર્વક નિવેદનો આપવા અને શબ્દોની ગરિમા જાળવવા પણ ટકોર કરી હતી.

નિખિલ વાગલેના ટ્વીટ પર પણ સુપ્રીમ કોર્ટ નારાજ

આ જ કેસમાં પત્રકાર નિખિલ વાગલેના ટ્વીટ (Nikhil Wagle Tweet) અંગે પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ અરવિંદ કુમારે ટ્વીટમાં વપરાયેલી ભાષાને અત્યંત અયોગ્ય ગણાવી હતી. કોર્ટે કહ્યું કે તેમાં એવા શબ્દોનો ઉપયોગ થયો છે જેને અદાલતમાં ફરીથી બોલી પણ શકાય તેમ નથી.

કોર્ટે પ્રેસની ભૂમિકા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે અને તેના સભ્યોનું સમાજમાં સન્માન છે. તેથી પત્રકારત્વ સાથે જોડાયેલા લોકોએ પણ પોતાની ભાષા અને અભિવ્યક્તિની મર્યાદા જાળવવી જોઈએ.

આ દરમિયાન નિખિલ વાગલે તરફથી હાજર રહેલાં વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે કોર્ટ સમક્ષ માફી માંગી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે વાગલે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અયોગ્ય અને દુઃખદ હતી. સામાન્ય બોલચાલમાં કોઈ શબ્દનો ઉપયોગ થતો હોય તો પણ તે ન્યાયિક સંસ્થાની ગરિમાને અનુરૂપ ન હોઈ શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

8 ડિસેમ્બરે આગામી સુનાવણી, બંનેને રૂબરૂ હાજર રહેવા આદેશ

સુપ્રીમ કોર્ટે આ મામલે બંને પક્ષોને વધારાનાં સોગંદનામાં દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી હવે 8 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.કોર્ટે સંજય રાઉતને આગામી સુનાવણીમાં પણ વ્યક્તિગત રીતે હાજર રહેવા જણાવ્યું છે. આ ઉપરાંત નિખિલ વાગલેને પણ વીડિયો કોન્ફરન્સિંગને બદલે રૂબરૂ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA)ના અધ્યક્ષ પ્રદીપ રોયે પણ પોતાની રજૂઆત કરી હતી. તેમણે અન્ય ટ્વીટનો ઉલ્લેખ કરીને ન્યાયતંત્ર અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો.

બીજી તરફ, સંજય રાઉતના વકીલે તેમનું સોગંદનામું અગાઉથી દાખલ કરવામાં આવ્યું હોવાની દલીલ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અગાઉની રાત સુધી સોગંદનામું રેકોર્ડ પર ઉપલબ્ધ નહોતું. હવે 8 ડિસેમ્બરની સુનાવણીમાં આ મામલે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.


આ પણ વાંચો: અજિત પવારના મોતની તપાસને લઈને સંજય રાઉતનો મોટો સવાલ, રામદાસ કદમની તપાસની માંગ

આ પણ વાંચો: સંજય રાઉતે CJI અને સુપ્રીમ કોર્ટની માગી બિનશરતી માફી

આ પણ વાંચો: જગદીપ ધનખડના રાજીનામા અંગે સંજય રાઉતે કહ્યું – દિલ્હીમાં પડદા….