Ahmedabad News: અમદાવાદમાં હવે જાહેર સ્થળોએ પાલતુ પ્રાણીની ગંદકી સાફ નહીં કરનાર માલિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં (AMC New Rules) આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026ના મુસદ્દા મુજબ, જાહેર સ્થળે પોતાના શ્વાન કે બિલાડીની ગંદકી સાફ (Pet Waste Fine) નહીં કરનાર માલિકોને રૂ.500થી રૂ.2,500 સુધીનો દંડ થઈ શકે છે. આ નિયમનો હેતુ શહેરમાં સ્વચ્છતા જાળવવા અને જાહેર સ્થળોએ ગંદકી ફેલાતી અટકાવવાનો છે.
સોસાયટીના પાર્કિંગ, રસ્તાની ફૂટપાથ અને અન્ય જાહેર સ્થળોએ પાલતુ પ્રાણીઓની ગંદકીને કારણે દુર્ગંધ અને અસ્વચ્છતાની સમસ્યા સર્જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને AMCએ નવા નિયમોના મુસદ્દામાં પાલતુ પ્રાણીની ગંદકી સાફ કરવાની જવાબદારી તેના માલિકની હોવાનું સ્પષ્ટ કર્યું છે.
AMC New Rules: પહેલી વખત રૂ.500, ત્રીજી વખત રૂ.2,500નો દંડ
AMCના એક અધિકારીના જણાવ્યા અનુસાર, નિયમનો ભંગ કરનાર પાસેથી પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1,000 અને ત્રીજી વખત રૂ.2,500નો દંડ વસૂલવામાં આવશે. એટલે કે, જાહેર સ્થળે પાલતુ પ્રાણીની ગંદકી છોડવાની બેદરકારી વારંવાર કરવી માલિકોને મોંઘી પડી શકે છે.
AMCની સ્થાયી સમિતિએ ગયા મહિને ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026ના મુસદ્દાને મંજૂરી આપી હતી. આ મુસદ્દામાં પાલતુ પ્રાણીની ગંદકી ગટર, નદી, ખુલ્લા તળાવ કે અન્ય જળાશયોમાં ઠાલવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવાની જોગવાઈ
ઘન કચરા વ્યવસ્થાપનના નવા મુસદ્દામાં જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે અનેક પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરવામાં આવી છે. તેમાં જાહેર સ્થળે પાલતુ પ્રાણીની ગંદકી છોડવી, મંજૂર કરાયેલી કચરાપેટી સિવાય અન્ય જગ્યાએ કચરો ફેંકવો, નિર્ધારિત સ્થળ સિવાય જાહેર જગ્યાએ વાહનોનું સમારકામ કરવું અને ખુલ્લી જગ્યામાં કચરો ઠાલવવાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વાહનોમાંથી રસ્તા પર કચરો ફેંકવો તેમજ કચરો ઊડીને જાહેર સ્થળોએ ફેલાય અથવા એકઠો થાય તેવી સ્થિતિ ઊભી થવા દેવા પર પણ પ્રતિબંધની જોગવાઈ છે.
માલિકની સાથે પ્રાણીની સંભાળ રાખનારની પણ જવાબદારી
ભારતીય પ્રાણી કલ્યાણ બોર્ડ (AWBI)ની માર્ગદર્શિકા મુજબ, પાલતુ પ્રાણીના માલિક ઉપરાંત તેની સંભાળ રાખનાર અથવા તેને ફરવા લઈ જવાની જવાબદારી સોંપવામાં આવેલી વ્યક્તિએ પણ જાહેર સ્થળે પ્રાણીની ગંદકી સાફ કરવી જરૂરી છે.
AWBI દ્વારા સોસાયટી અને રહેવાસીઓના સંગઠનોને પ્રાણીઓ માટે ગંદકી કરવાની નિર્ધારિત જગ્યા બનાવવા સૂચન કરવામાં આવ્યું છે. સોસાયટીના પરિસર કે બગીચામાં આવી જગ્યા નક્કી કરીને ત્યાં એકત્ર થયેલી ગંદકીનો લાકડાના ભૂકા વગેરેની મદદથી ખાતર તરીકે નિકાલ કરી શકાય તેવો વિકલ્પ પણ સૂચવાયો છે.
દિલ્હી, પુણે અને કોલકાતામાં પણ દંડની જોગવાઈ
જાહેર સ્થળે પાલતુ પ્રાણીની ગંદકી છોડવા બદલ અન્ય શહેરોમાં પણ દંડની જોગવાઈ છે. દિલ્હીમાં આ માટે રૂ.500નો દંડ વસૂલવામાં આવે છે, જ્યારે વારંવાર નિયમનો ભંગ કરનારને છ મહિના સુધીની કેદની જોગવાઈ પણ છે.
પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર સ્થળોએ પાલતુ શ્વાનને ફરવા લઈ જતા લોકો પર નજર રાખવા ટીમો તૈનાત કરે છે અને ગંદકી સાફ નહીં કરનાર માલિક પાસેથી રૂ.500નો દંડ (Pet Owners Fine) વસૂલે છે. કોલકાતામાં પ્રથમ વખત નિયમનો ભંગ કરનારને રૂ.525, બીજી વખત રૂ.735 અને ત્રીજી વખત રૂ.1,050નો દંડ ફટકારવામાં આવે છે. જ્યારે આગ્રામાં જાહેર સ્થળે કૂતરાની ગંદકી છોડવા બદલ રૂ.100 સુધીનો દંડ અને છ મહિના સુધીની કેદની જોગવાઈ છે.
AMC દ્વારા તૈયાર કરાયેલો ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026નો મુસદ્દો (Solid Waste Management) પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નિયમો તથા સુપ્રીમ કોર્ટના 19 ફેબ્રુઆરીના નિર્દેશોને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે. આ મુસદ્દો AMCની વેબસાઇટ પર પણ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પાલતુ પ્રાણીઓને રેલ્વેમાં સાથે લઈ જઈ શકાય? રેલ્વેએ આપ્યા 4 વિકલ્પ
આ પણ વાંચો: Air Pollution: શું તમારા પાલતુ પ્રાણીઓને પણ માસ્કની જરૂર છે?
આ પણ વાંચો: ચીનમાં ઘટતી વસ્તીનું સંકટ, બાળકો કરતાં પાલતુ પ્રાણીઓની વસ્તી વધારે હશે, અહેવાલમાં આવ્યું સામે
