America News: મુંબઈમાં 26/11ના આતંકી હુમલાની વરસી (26-11 Mumbai Attack) નિમિત્તે અમેરિકાએ હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્ગિયો ગોર (Sergio Gor)એ સોશિયલ મીડિયા પર સંદેશ આપીને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે ઊભું હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો.
26-11 Mumbai Attack: 166 લોકોનાં મોત, 6 અમેરિકન નાગરિકો પણ સામેલ
સર્ગિયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે 26/11ના મુંબઈ હુમલામાં જીવ ગુમાવનારા 166 નિર્દોષ લોકોને અમેરિકા યાદ કરી રહ્યું છે. મૃતકોમાં છ અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. તેમણે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
તાજ હોટલના સ્મારક પર પણ આપી હતી શ્રદ્ધાંજલિ
અમેરિકી રાજદૂત સર્ગિયો ગોરે આ વર્ષની શરૂઆતમાં મુંબઈની તાજ મહેલ પેલેસ હોટલમાં આવેલા સ્મારકની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો (Marco Rubio) સાથે તેમણે હુમલાના પીડિતો અને ભારતીય સુરક્ષા દળોની બહાદુરીને સન્માન આપવા સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે અમેરિકા
સર્ગિયો ગોરે પોતાના સંદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે. આતંકીઓને ન્યાયના કઠેડામાં લાવવા બંને દેશોની કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચેની ભાગીદારી મહત્ત્વપૂર્ણ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
26/11ના હુમલાની વરસી પર અમેરિકાનો આ સંદેશ ભારત અને અમેરિકા વચ્ચે આતંકવાદ (Terrorism) વિરુદ્ધ સહયોગની પ્રતિબદ્ધતાને ફરી ઉજાગર કરે છે.
આ પણ વાંચો: 26/11 મુંબઈ હુમલો : 16 વર્ષ પહેલાં મુંબઈ આતંકવાદી હુમલાથી હચમચી ઉઠ્યું હતું
આ પણ વાંચો: જૂનાગઢમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા પર હુમલો, નગ્નાવસ્થામાં હાથમાં ગદા લઈને ઘૂસ્યો સાધુ
આ પણ વાંચો: વાપી ખંડણી કેસમાં મોટો વળાંક: આરોપીએ પોલીસ પર કર્યો હુમલો, SOG PIએ પગમાં મારી ગોળી
