Junagadh News/ મહામંડલેશ્વર પર હુમલા બાદ શિવગિરીના બાંધકામ પર બુલડોઝર: ઘરવખરી ટ્રેક્ટરમાં ભરી પોલીસ સ્ટેશને મોકલી

જૂનાગઢમાં મહામંડલેશ્વર સ્વીટુ મા પર હુમલાના આરોપી શિવગિરીના (Junagadh Shivgiri) ઝોનલ ઓફિસ પાછળના બાંધકામ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું. આરોપી હજુ ફરાર છે.

Top Stories Gujarat
Junagadh Shivgiri: ગેરકાયદે બાંધકામ પર તંત્રનો ઘા

Junagadh News: જૂનાગઢમાં જૂના કિન્નર અખાડાના 1008 અધ્યક્ષ મહામંડલેશ્વર ગિરનારી માતા ઉર્ફે સ્વીટુ મા પર હુમલાના (Switu Maa Attack) આરોપી શિવગિરીના (Junagadh Shivgiri) ગેરકાયદે બાંધકામ સામે તંત્રએ કાર્યવાહી કરી છે. જૂનાગઢમાં ઝોનલ ઓફિસ પાછળ આવેલા તેના પાકા બાંધકામ પર બુલડોઝર (Illegal Construction Demolition) ફેરવી તોડી પાડવામાં આવ્યું હતું. બાંધકામમાંથી ઘરવખરી ટ્રેક્ટરમાં ભરી ભવનાથ પોલીસ સ્ટેશન મોકલવામાં આવી હતી. અગાઉ આ જગ્યા પર બાંધકામ તોડવામાં આવ્યું હોવા છતાં ફરીથી બાંધકામ કરવામાં આવ્યું હતું.

24 નવેમ્બરની રાત્રે શિવગિરીએ મહામંડલેશ્વર ગિરનારી માતા ઉર્ફે સ્વીટુ મા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં શિવગિરી ગુરુ જયદેવગિરી અને અન્ય ત્રણ અજાણ્યા શખસો સામે રૂ. 1.62 લાખની લૂંટ અને હુમલાની ફરિયાદ નોંધાઈ હતી. હુમલા બાદ શિવગિરી ફરાર થઈ ગયો છે. તેને ઝડપી પાડવા પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે.

Junagadh Shivgiri: શિવગિરી સામે જૂનાગઢમાં 6 કેસ, તડીપાર પણ કરાયો હતો

શિવગિરી સામે વર્ષ 2018થી 2026 દરમિયાન જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં કુલ 6 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આમાંથી 3 કેસમાં તે નિર્દોષ છૂટી ચૂક્યો છે. ફેબ્રુઆરી 2026માં તેને જૂનાગઢ જિલ્લા ઉપરાંત રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાંથી પણ તડીપાર કરવામાં આવ્યો હતો.

2023માં શિવરાત્રિના મેળામાં સાધ્વી પર તલવારથી હુમલાનો આરોપ

વર્ષ 2023માં ભવનાથ પોલીસ (Bhavnath Police) સ્ટેશનમાં શિવગિરી સામે IPCની કલમ 307 હેઠળ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. તે વર્ષે યોજાયેલા શિવરાત્રિના મેળામાં શિવગિરી તલવાર લઈને અન્ય સાધુઓને હેરાન કરતો હોવાનો આક્ષેપ હતો. આ દરમિયાન એક સાધ્વીએ તેને આવું કરવાની ના પાડતાં તેણે સાધ્વીના પેટના ભાગે તલવાર મારી દીધી હતી. સાધ્વીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

મહંતના આશ્રમે જઈને મારામારી કરી હોવાનો પણ કેસ

વર્ષ 2023માં જ ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અન્ય ફરિયાદ મુજબ, શિવગિરી ઘોડા પર સવાર થઈને એક મહંતના આશ્રમે પહોંચ્યો હતો. ત્યાં તેણે મહંતને ગાળો આપી હતી અને મહંત સહિત અન્ય એક વ્યક્તિને માર માર્યો હોવાનો આરોપ હતો. વર્ષ 2024માં રાજ્ય સરકારે જામીનની શરતોનો ભંગ કરવા બદલ શિવગિરીના જામીન રદ કરવાની અરજી જૂનાગઢ કોર્ટમાં કરી હતી, જોકે કોર્ટે આ અરજી નકારી કાઢી હતી.

મોબાઈલ અંગે પૂછતાં યુવકના માથામાં પાઇપ માર્યો હતો

વર્ષ 2021માં શિવગિરી પર એક સાધુને લાકડીથી માર મારવાનો આરોપ લાગ્યો હતો. જોકે, પુરાવાના અભાવે તે આ કેસમાં નિર્દોષ છૂટ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2018માં એક ફરિયાદીએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો મોબાઈલ ખોવાઈ ગયો હતો. મોબાઈલ અંગે આસપાસમાં તપાસ કરતી વખતે તેણે શિવગિરીને પૂછતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને યુવકના માથામાં પાઇપ માર્યો હતો. એટલું જ નહીં, કાચની તૂટેલી બોટલથી તેના જમણા હાથમાં પણ ઈજા પહોંચાડી હતી. આ કેસમાં શિવગિરીને જામીન મળ્યા હતા અને બાદમાં શંકાનો લાભ આપીને તેને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો.

હાલ મહામંડલેશ્વર પર હુમલા અને લૂંટના કેસમાં શિવગિરી ફરાર છે. તેને ઝડપી પાડવા પોલીસ દ્વારા શોધખોળ અને તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: જૂનાગઢમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા પર હુમલો, નગ્નાવસ્થામાં હાથમાં ગદા લઈને ઘૂસ્યો સાધુ

આ પણ વાંચો: મહાકુંભ મેળામાં મહામંડલેશ્વર સહિત ચાર પર હુમલો, કિન્નર અખાડામાં ઘટનાને પગલે અરાજકતા

આ પણ વાંચો: શું મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વર બનવા 10 કરોડ આપ્યા હતા?