National News/ YouTubeનો ભારતમાં મોટો એક્શન: 3 મહિનામાં 34.4 લાખ વીડિયો ડિલીટ, અમેરિકા પણ પાછળ!

એપ્રિલથી જૂન 2026 દરમિયાન YouTubeએ ભારતમાં 34.4 લાખ વીડિયો (YouTube Deleted Videos India) હટાવ્યા. અમેરિકાની સરખામણીએ લગભગ ત્રણ ગણા વીડિયો ડિલીટ થયા.

Top Stories India Breaking News
YouTube Deleted Videos India: 34.4 લાખ વીડિયો ડિલીટ કર્યા, જાણો કારણ

National News: દુનિયાના સૌથી મોટા વીડિયો પ્લેટફોર્મ YouTube પર નિયમોના ઉલ્લંઘન બદલ ભારતમાં મોટી કાર્યવાહી કરવામાં (YouTube Deleted Videos India) આવી છે. એપ્રિલથી જૂન 2026 દરમિયાન YouTubeએ ભારતમાં અપલોડ કરવામાં આવેલા 34.4 લાખ વીડિયો ડિલીટ કર્યા છે. અગાઉના ક્વાર્ટરની સરખામણીએ આ આંકડામાં 28 ટકાનો વધારો થયો છે. દુનિયાભરમાં આ સમયગાળા દરમિયાન ડિલીટ કરવામાં આવેલા કુલ વીડિયોમાંથી લગભગ 31 ટકા વીડિયો એકલા ભારતના હતા.

YouTube Deleted Videos India: અમેરિકાની સરખામણીએ ભારતમાં લગભગ ત્રણ ગણા વીડિયો ડિલીટ

એપ્રિલથી જૂન 2026ના ક્વાર્ટરમાં YouTubeએ સમગ્ર દુનિયામાં કુલ 1.1 કરોડ વીડિયો હટાવ્યા હતા. આ યાદીમાં 34.4 લાખ વીડિયો સાથે ભારત પ્રથમ ક્રમે રહ્યું હતું. જ્યારે અમેરિકામાંથી 12.4 લાખ વીડિયો ડિલીટ કરવામાં આવ્યા હતા, જે યાદીમાં બીજા ક્રમે છે. આમ, અમેરિકાની સરખામણીએ ભારતમાં લગભગ ત્રણ ગણા વીડિયો હટાવવામાં આવ્યા હતા.

આ યાદીમાં ઇન્ડોનેશિયા 9.2 લાખ વીડિયો સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. YouTube અપલોડ કરાયેલા વીડિયાનો દેશ નક્કી કરવા માટે અપલોડરનું IP એડ્રેસ તપાસે છે. જોકે, ભારતમાં કઈ કેટેગરીના વીડિયો સૌથી વધુ ડિલીટ કરવામાં આવ્યા તેની સ્પષ્ટ માહિતી કંપનીએ આપી નથી.

દુનિયાભરમાં ડિલીટ કરવામાં આવેલા કુલ વીડિયોમાંથી 68.2 ટકા વીડિયો બાળકોની સુરક્ષા સંબંધિત નિયમોના ઉલ્લંઘન સાથે જોડાયેલા હતા. વિવાદાસ્પદ વીડિયોમાંથી 98.6 ટકાની ઓળખ કોઈ વ્યક્તિએ નહીં, પરંતુ YouTubeની ઓટોમેટેડ AI સિસ્ટમ દ્વારા (AI Moderation) કરવામાં આવી હતી.

પોલીસ અને કોર્ટની ફરિયાદો બાદ પણ હટાવાયું કન્ટેન્ટ

YouTubeની પોતાની કમ્યુનિટી ગાઇડલાઇન્સ (YouTube Community Guidelines) ઉપરાંત ભારતીય સરકારી એજન્સીઓ અને અદાલતો તરફથી મળતી ફરિયાદોના આધારે પણ પ્લેટફોર્મ પરથી કન્ટેન્ટ હટાવવામાં આવ્યું છે.

જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન ગૂગલને ભારતમાં કન્ટેન્ટ હટાવવા માટે કુલ 4,006 વિનંતીઓ મળી હતી. તેમાંથી 3,399 વિનંતીઓ માત્ર YouTube સાથે સંબંધિત હતી. અગાઉના છ મહિનાની સરખામણીએ આવી વિનંતીઓમાં 61 ટકાનો વધારો નોંધાયો હતો. આ વિનંતીઓમાં કુલ 65,091 કન્ટેન્ટ આઇટમ્સ હટાવવાની માગ કરવામાં આવી હતી.

વિશ્વસ્તરે આ મામલે ભારત કરતાં માત્ર રશિયા અને દક્ષિણ કોરિયા આગળ રહ્યાં હતાં. મળેલી ફરિયાદોમાં સૌથી મોટો હિસ્સો પોલીસનો હતો. કુલ વિનંતીઓમાંથી લગભગ 72 ટકા એટલે કે 2,870 વિનંતીઓ પોલીસ તરફથી કરવામાં આવી હતી. જ્યારે 695 વિનંતીઓ અદાલતો તરફથી મળી હતી.

મોટાભાગની ફરિયાદોમાં માનહાનિને આધાર બનાવવામાં આવ્યો હતો. આ અંતર્ગત 2,130 વિનંતીઓમાં કન્ટેન્ટને અપમાનજનક ગણાવીને તેને હટાવવાની માગ કરવામાં આવી હતી.

દરેક ફરિયાદ બાદ કન્ટેન્ટ હટાવવામાં આવ્યું નથી

સરકારી એજન્સીઓ અને અદાલતો તરફથી મળેલી ફરિયાદોની ગૂગલે પોતાના નિયમો અને ભારતીય કાયદા મુજબ તપાસ કરી હતી. કંપનીએ ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરતા 19,883 કન્ટેન્ટ આઇટમ્સ પ્લેટફોર્મ પરથી હટાવી હતી. આ ઉપરાંત પોતાની આંતરિક નીતિઓનું ઉલ્લંઘન કરતા અન્ય 1,415 વીડિયો પણ ડિલીટ કર્યા હતા.

જોકે, દરેક ફરિયાદના આધારે કન્ટેન્ટ હટાવવામાં (Google Content Removal) આવ્યું નહોતું. તપાસ દરમિયાન ગૂગલે 19,402 કેસમાં કોઈ કાર્યવાહી કરી નહોતી, કારણ કે તપાસમાં આ કન્ટેન્ટ નિયમોના દાયરામાં યોગ્ય જણાયું હતું. બીજી તરફ, 17,473 વીડિયોના મામલે કંપનીએ જણાવ્યું હતું કે કાર્યવાહી કરવા માટે પૂરતી માહિતી ઉપલબ્ધ નથી.

ટેક્નોલોજીના વધતા ઉપયોગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કડક બનતા નિયમોને કારણે કન્ટેન્ટ ક્રિએટર્સ માટે વીડિયો અપલોડ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી બની છે. YouTube પર વીડિયો બનાવવાથી લઈને તેને પ્લેટફોર્મ પર મૂકવા સુધી કમ્યુનિટી ગાઇડલાઇન્સનું પાલન કરવું હવે વધુ મહત્ત્વનું બન્યું છે.


આ પણ વાંચો: બંધારણ દિવસ પર અમિત શાહનો સંદેશ: UCCથી લઈને નક્સલવાદ સુધીના મુદ્દે કરી વાત

આ પણ વાંચો: 27 નવેમ્બરે મોદી સરકારની મોટી બેઠક: મહિલા અનામત બિલના નવા મુસદ્દા પર મંથન?

આ પણ વાંચો: પત્રકાર કોને ગણવા અને સુરક્ષા કોને આપવી? સુપ્રીમ કોર્ટે 5 સભ્યોની સમિતિને સોંપ્યો મામલો