Bangladesh News: બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની સંભવિત સ્વદેશ વાપસી પહેલાં રાજકીય (Bangladesh Protest) માહોલ ફરી ગરમાયો છે. હસીનાની વાપસીની જાહેરાત બાદ અવામી લીગના સમર્થકો અનેક જિલ્લાઓમાં મશાલો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. ગોપાલગંજમાં સમર્થકોએ વર્તમાન સરકાર સામે ‘વર્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્સ’ એટલે કે વર્ચ્યુઅલ સ્વતંત્રતાનું એલાન કર્યું હોવાના અહેવાલ છે. બીજી તરફ, વિરોધ પ્રદર્શનોને પગલે કેટલાક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.
Bangladesh Protest: ગોપાલગંજમાં ‘વર્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્સ’નું એલાન
શેખ હસીનાના ગૃહજિલ્લા ગોપાલગંજમાં અવામી લીગના સમર્થકોએ (Awami League Protest) સરકાર સામે પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો છે. સમર્થકો મશાલો લઈને રસ્તા પર ઉતર્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને શેખ હસીનાની વાપસી તથા પક્ષના રાજકીય અધિકારો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. આ વિસ્તારમાં અગાઉ પણ અવામી લીગના કાર્યકરો દ્વારા રસ્તા રોકો આંદોલન અને વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં.
દરમિયાન, ગોપાલગંજમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ખોરાક, દવાઓ, વીજળી અને પાણી જેવી આવશ્યક સેવાઓને પણ અસર થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ તમામ પુરવઠો સત્તાવાર રીતે સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યો હોવાની સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી.
તુન્ગીપારા, પાબના અને ગફરગાંવમાં મશાલ સરઘસ
બાંગ્લાદેશના અન્ય વિસ્તારોમાં પણ અવામી લીગના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તુન્ગીપારા અને પાબનામાં પોલીસની હાજરી વચ્ચે કાર્યકરોએ મશાલો સાથે સરઘસ કાઢ્યું હતું અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
મૈમનસિંહ જિલ્લાના ગફરગાંવમાં સ્થાનિક અવામી લીગ એકમ દ્વારા શેખ હસીનાની સ્વદેશ વાપસીના સમર્થનમાં સ્વાગત સરઘસ યોજાયું હતું. તેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. આ ઉપરાંત ગાઝીપુર જિલ્લાના કાલિયાકૈર ઉપજિલ્લામાં અવામી લીગના મહાસચિવ રેઝાઉલ કરીમ રસેલના નેતૃત્વમાં વિરોધ માર્ચ કાઢવામાં આવી હતી.
27-28 નવેમ્બરે લોકડાઉન અને 29-30 નવેમ્બરે બંધનું એલાન
શેખ હસીનાની વાપસીના મુદ્દે અવામી લીગે અગાઉ 27 અને 28 નવેમ્બરે દેશવ્યાપી સંપૂર્ણ લોકડાઉનનું એલાન કર્યું હતું. પક્ષના ગોપાલગંજ એકમ દ્વારા 27 અને 28 નવેમ્બરે મશાલ સરઘસ તેમજ 29 અને 30 નવેમ્બરે 48 કલાકના બંધની જાહેરાત પણ કરવામાં આવી હતી.
સ્થાનિક સ્તરે રસ્તા રોકો આંદોલન અને વિરોધ કાર્યક્રમોને કારણે વાહનવ્યવહાર પર અસર થઈ રહી છે. ગોપાલગંજમાં અગાઉ અનેક સ્થળોએ રસ્તા પર અવરોધ ઊભા કરવામાં આવ્યા હતા. કેટલાક વિસ્તારોમાં આગચંપી અને તોડફોડની ઘટનાઓ પણ નોંધાઈ હતી.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશના સત્તાવાળાઓએ ગોપાલગંજમાં 27થી 30 નવેમ્બર સુધી મોબાઇલ બેંકિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉથી સ્થગિત કરવામાં આવેલી ટ્રેન સેવાઓ પણ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
શેખ હસીના 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે?
શેખ હસીના ઓગસ્ટ 2024થી ભારતમાં રહે છે. 5 ઓગસ્ટ 2024ના રોજ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં શરૂ થયેલું આંદોલન ઉગ્ર બન્યું હતું. શરૂઆતમાં સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં શરૂ થયેલું આંદોલન ધીમે-ધીમે હસીના સરકાર સામેના મોટા જનવિરોધમાં ફેરવાયું હતું. વધતા વિરોધ અને રાજકીય અસ્થિરતા વચ્ચે તેમણે વડાપ્રધાન પદ છોડ્યું હતું અને દેશ છોડીને ભારત આવી ગયાં હતાં.
હવે શેખ હસીનાએ 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ તારીખનું પણ વિશેષ મહત્ત્વ છે, કારણ કે બાંગ્લાદેશમાં 16 ડિસેમ્બરને ‘વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં આ જ દિવસે પાકિસ્તાન સામેના યુદ્ધ બાદ બાંગ્લાદેશ સ્વતંત્ર દેશ બન્યો હતો.
એક અહેવાલ મુજબ, હસીનાએ બાંગ્લાદેશ સરકારને રાષ્ટ્રીય વિમાન સેવા બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ મારફતે ભારતથી તેમની વાપસી માટે વિમાનની વ્યવસ્થા કરવાની વિનંતી કરી છે. જોકે, તેમની વાપસીનો માર્ગ સરળ જણાતો નથી.
વાપસી કરશે તો ધરપકડ થશે: બાંગ્લાદેશ સરકાર
શેખ હસીનાની (Sheikh Hasina Return) વાપસીની જાહેરાત વચ્ચે બાંગ્લાદેશની વર્તમાન સરકારે કડક વલણ અપનાવ્યું છે. રોઇટર્સના અહેવાલ પ્રમાણે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે હસીના દેશ પરત ફરશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. સરકાર ભારતમાંથી તેમના પ્રત્યાર્પણની માંગ પણ કરી રહી છે.
નોંધનીય છે કે બાંગ્લાદેશની એક વિશેષ ટ્રિબ્યુનલે વર્ષ 2025માં 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસક કાર્યવાહી સાથે જોડાયેલા માનવતા વિરુદ્ધના ગુનાઓના કેસમાં શેખ હસીનાને તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. જોકે, હસીનાએ આ ચુકાદાને નકારી કાઢ્યો છે.
બીજી તરફ, અવામી લીગની રાજકીય પ્રવૃત્તિઓ (Bangladesh Political Crisis) પર પણ પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં 16 ડિસેમ્બરે શેખ હસીના ખરેખર બાંગ્લાદેશ પરત ફરી શકશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. તેમની સંભવિત વાપસી પહેલાં સમર્થકો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે, જ્યારે સરકાર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી રહી છે. આ ઘટનાક્રમને કારણે બાંગ્લાદેશમાં રાજકીય તણાવ ફરી વધી રહ્યો છે.
આ પણ વાંચો: શેખ હસીનાએ બાંગ્લાદેશ વાપસી માટે 16 ડિસેમ્બર જ કેમ પસંદ કરી? જાણો રાજકીય ગણતરી
આ પણ વાંચો: ભારત બાંગ્લાદેશ પર કબજો કરશે? મંત્રી અર્જુન સિંહનો દાવો
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં 2 દિવસના લૉકડાઉનનું એલાન, શેખ હસીનાની વાપસી પહેલાં અવામી લીગની 8 મોટી શરતો
