અયોધ્યામાં રામમંદિર બનાવવાના મુદ્દાની સુપ્રીમ કોર્ટમાં આગામી 5 ડિસેમ્બરથી ડે-ટૂ-ડે સુનાવણી શરુ થશે. આ સુનાવણી શરૂ થાય તે પહેલા શિયા સેંટ્રલ બોર્ડના પ્રમુખ વસીમ રિજવીએ બન્ને પક્ષો વચ્ચે સમજૂતી માટેના પાંચ મુદ્દાનો એક પ્રસ્તાવ મીડિયા સમક્ષ જાહેર કર્યો છે.
તેમણે લખનૌના ઇંદિરા ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ છે કે અયોધ્યા એ મંદિરોની નગરી છે, એટલે અમે પણ ઇચ્છીએ છીએ કે ત્યાં રામમંદિર જ બને. સાથે અમે એ પણ ઇચ્છીએ છીએ કે અયોધ્યાના સ્થાને લખનૌમા મસ્જીદે-અમન નામની એક મસ્જીદ બનાવવામાં આવે, જેથી બન્ને પક્ષોની આસ્થાનું સમ્માન જાળવી શકાય.
બીજી તરફ અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિએ શિયા વક્ફ બોર્ડના આ નિર્ણયને વધાવતા રિજવીનો આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યુ છે કે આ માટે હિન્દુ સમાજ તેમનો આભારી રહેશે.
વસીમ રિજવીએ જણાવ્યુ કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આ મુદ્દે માત્ર ને માત્ર ઝગડો વધારી રહ્યુ છે. શિયા વક્ફ બોર્ડે મંદિર માટેની જગ્યા પર ક્યારેય દાવો કર્યો જ નથી. આ સમજૂતી પત્ર પર બન્ને પક્ષોએ સહી પણ કરેલી છે.
