Not Set/ નવનીત પ્રકાશનના માલિક નવીન શાહની ખંડણી માટે હત્યા

અમદાવાદના એસ.જી.હાઈવે વૈષ્ણવદેવી સર્કલ પાસેથી રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ ગયેલા શૈક્ષણિક પુસ્તકોના પ્રકાશક નવનીત પ્રકાશનના ડાયરેકટર નવીનભાઈ શાહની બે દિવસ બાદ અરવલ્લી જિલ્લાના માલપુર નજીકથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. નવીનભાઈ શાહની 5 કરોડની ખંડણીના મામલે નવીનભાઇનું ચાર શખ્સોએ અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. ખંડણીની રકમ ના ચૂકવાતાં […]

Gujarat

અમદાવાદના એસ.જી.હાઈવે વૈષ્ણવદેવી સર્કલ પાસેથી રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ ગયેલા શૈક્ષણિક પુસ્તકોના પ્રકાશક નવનીત પ્રકાશનના ડાયરેકટર નવીનભાઈ શાહની બે દિવસ બાદ અરવલ્લી જિલ્લાના માલપુર નજીકથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

નવીનભાઈ શાહની 5 કરોડની ખંડણીના મામલે નવીનભાઇનું ચાર શખ્સોએ અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. ખંડણીની રકમ ના ચૂકવાતાં અપહરણકારોએ નવીનભાઇની હત્યા કરી દીધી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે જિજ્ઞેશ ભાવસાર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે..

નવનીત હાઉસથી દંતાલી ખાતેના પ્રિન્ટિંગ યુનિટ ખાતે જવા માટે નીકળેલા નવીનભાઈ શાહ ઉપર રસ્તામાં બે ફોન આવ્યા હતા. ફોન ઉપર વાત કર્યા પછી નવીનભાઈએ વૈષ્ણોદેવી સર્કલ પાસે ગોરબંધ હોટલના પાર્કિંગમાં કાર રોકવા ડ્રાઈવર પ્રભાતભાઈ મગનભાઈ દેસાઈને કહ્યું હતું. કારમાંથી ઊતર્યા ત્યારે કોઈને મળીને અડધા-પોણા કલાકમાં આવવાનું કહીને નવીનભાઈ ગયા હતા. એક-દોઢ કલાક જેટલો સમય વીતવા છતાં નવીનભાઈ પરત નહીં ફરતા સમગ્ર મામલો અડાલજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

આ મામલે પોલીસને જાણ કરાતાં અડાલજ પોલીસ, ગાંધીનગર એસઓજી, એલસીબી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો ધ્વારા નવીનભાઇની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. નવીનભાઈ ગુમ થયાના અડધા કલાક બાદ તેમનો ફોન બંધ થઇ ગયો હતો, જેના પગલે પોલીસે નવીનભાઇનું અપહરણ થયું હોવાની શંકાના આધારે તેમજ કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન નવીનભાઇનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું અને તેમને છોડવા માટે  5 કરોડની ખંડણી અંગેનો ફોન તેમનાં પરિવારજનો પર આવ્યો હતો, જેના પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ. એલ. ચૌધરીની ટીમે તપાસ શરૂ કરતાં નવીનભાઇના અપહરણની જાણ પોલીસને થઇ ગઇ હોવાનું અને તેઓને શોધી રહી હોવાની જાણ થતાં અપહરણકારો નવીનભાઇની હત્યા કરીને લાશને અરવલ્લીના માલપુર નજીક આવેલ ગાંજણ ગામની સીમમાં ફેંકી ફરાર થઇ ગયા હતા. જિજ્ઞેશ ભાવસાર સહિત ચાર શખ્સોએ અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. મંગળવારે રાત્રે નવીનભાઇને ફોન કરીને ગોરબંધ હોટલ પાસે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાંથી અપહરણકર્તાઓએ કારમાં બેસાડી તેમનું અપહરણ કરી લીધું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ કંપનીમાં કામ કરતા પૂર્વ કર્મચારીએ પૈસા માટે તેઓનું અપહરણ કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલ આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.