દેશભરમાં વિકાસ અને ગરીબીલક્ષી સરકાર હોવાના દાવા કરતા સરકારી તંત્રની પરીસ્થિતિ અંગે વધુ એકવાર સવાલો ઉભા થયા છે. નવસારી શહેરમાં ગરીબ, નિરાશ્રિત અને ભીખારીઓ માટે બનાવવામાં આવેલી ધર્મશાળાને લઇ પાલિકાના કામકાજ અંગે કઈક અલગ જ પરીસ્થિતિ સામે આવી છે. હકીકતમાં, નવસારી શહેરમાં ગરીબ, અપંગ, નિરાશ્રિત અને ભીખારીઓ કડકડતી ઠંડીમાં રસ્તા ઉપર સુઈને પોતાનુ જીવન પસાર કરતા હોય છે. ત્યારે તેઓ પોતાના માટે તંત્ર દ્વારા રૈન-બસેરા ની વ્યવસ્થા થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ પ્રમાણે આ નિરાશ્રિતો માટે નવસારી ખાતે એક અપંગ ધર્મશાળાનું નિર્માણ પણ વર્ષો અગાઉ કરવામાં આવ્યુ છે. પરંતુ આ ધર્મશાળામાં નવસારી નગરપાલિકા દ્વારા સવારે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા જતા ટેમ્પા પાર્કિગ કરવામાં આવી રહ્યો છે.
જયારે આ ધર્મશાળાની બહાર લગાવવામાં આવેલા બોર્ડમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, આ ધર્મશાળા ગરીબ, અપંગ, નિરાશ્રિતો માટે છે. પરંતુ આ ધર્મશાળમાં કોઈ નિરાશ્રિત ને આશરો આપવામાં આવતો નથી પરંતુ આ ધર્મશાળામાં નવસારી નગરપાલિકા દ્વારા સવારે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા જતા ટેમ્પા પાર્કિગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત નવસારી નગરપાલિકા દ્વારા આ જ રીતે શહેરના કચરાને સિક્યુરીટી આપવા માટે હાલમાં લાખોનો ખર્ચ કરીને ત્રણ જેટલા વોચ ટાવર ઉભા કરી ૨૪ કલાક માણસોની દેખરેખ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે પાલિકાની આ કામગીરી અંગે પાલિકાના વિરોધ પક્ષ દ્વારા પણ આક્ષેપ કરાયા છે.
નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખ દીપક બારોટે જણાવ્યું કે, નવસારી નગરપાલિકા એ ગુજરાતની એક અજાયબી પાલિકા છે, કે ત્યાં કચરાની સિક્યુરિટી માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ પાલિકા દ્વારા નિરાશ્રિતોને આ ધર્મશાળા આપવાને બદલે કચરાના ટેમ્પા પાર્ક કરવા માટે આપવામાં આવે છે. તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું કે, “પાલિકાના સતાધીશો માટે માનવ જીવન કરતા કચરાનુ મુલ્ય વધુ છે”.
બીજી બાજુ નગરપાલિકાના ચીફ ઓફીસર આર.પી.જોશીને આ અંગે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, પાલિકા દ્વારા ટુંક સમયમાં આ લોકોના જે સર્વે કરવામાં આવનાર છે અને આવા જે પણ લોકો છે એમના માટે ભારત સરકાર દ્વારા આગામી સમયમાં સહાય આપવામાં આવશે. તેમજ વહેલી તકે યોગ્ય જગ્યા શોધી ત્યાં નિરાશ્રિતો ને આશ્રય મળે તે માટેના મકાનનુ બાંધકાંમ કરવામાં આવશે. આ ઉપરાંત ધર્મશાળામાં કરવામાં આવતા કચરાના ટેમ્પાના પાર્કિંગ અંગે જણાવ્યું કે, હાલ પાલિકા પાસે કોઈ વૈકલ્પિક જગ્યા ન હોવાથી વચગાળાની વ્યવસ્થાના સ્વરૂપે આ પાર્કિંગ કરવામાં આવ્યું હતું.
આ અંગે પોતાનો રોષ ઠાલવતા રાજનપ્રતાપ તિવારી નામના એક દિવ્યાંગ નિરાશ્રિતે જણાવ્યું કે, શહેરમાં આમારા જેવા લોકો માટે કોઈ ધર્મશાળા બનાવવામાં આવી છે. એ અમને ખબર પણ નથી અને અમે આમારું જીવન દિવસભર જ્યાં ત્યાં માંગીને બે ટાઈમ માટે પોતાનુ તેમજ પોતાના પરિવારનુ પેટ ભરીયે છીએ અને ઠંડી કે ચોમાસાની સિઝનમાં ફૂટપાથ પર સુઈને પોતાનું જીવન પસાર કરીએ છીએ.
નવસારીમાં આ નિરાશ્રિતોને આશરો આપવાની જગ્યાએ તેમને નિરાધાર બનાવવાતા પાલિકાના સતાધિશોની માનવતા મરી પરવારી હોય તેમ માનવ જીવન કરતા કચરાનુ મહત્વ વધુ હોય તેવુ લાગી રહ્યુ છે.
