પોલીસને ચકમો આપવા ભેજાબાજ બુટલોગરો દારુ સંતાડવા માટે અવનવા પેંતરા અજમાવતા હોય છે. ત્યારે રાજકોટ શહેરની થોરાળા પોલીસે એક બુટલેગરના ઘરમાં દરોડા પાડીને આશરે 25 હજાર રુપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ચોંકાવનારી બાબત તો એ છે કે આ દારૂ એવી રીતે ઘરમાં સંતાડાયો હતો કે તે જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસે જ્યારે બુટલેગર પાસે દારૂ ક્યાં સંતાડ્યો છે તેની કબુલાત કરાવી તો તેણે જણાવ્યુ હતુ કે ઘરમાં સ્વીચ બોર્ડની પાછળ દીવાલમાં એક ફુટનું બાકોરૂ પાડ્યુ હતુ અને તેમા વિદેશી દારુની બોટલો છુપાવી હતી. ત્યારે પોલીસે આ બાકોરામાં હાથ નાખીને દિવાલની પાછળથી એક પછી એક 56 જેટલી જુદી-જુદી બ્રાન્ડની દારૂની બોટલો કાઢી હતી.

શહેરના ગંજીવાડામાં શેરી નંબર 31 માં રહેતા આમદભાઈ હસમભાઇ ઠેબા નામનો શખ્સ પોતાના ઘરમાં દારૂનો જથ્થો રાખીને તેનો ગેરકાયદે વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો. જોકે પોલીસને પ્રાથમિક તપાસમાં કાંઈ હાથ લાગ્યું ન હતું..

બાદમાં આરોપી પાસે કબુલાત કરાવતા ઘરમાં લાઈટના સ્વીચ બોર્ડની પાછળ દીવાલમાં બનાવેલુ ચોરખાનું મળી આવ્યુ હતુ. સ્વીચ બોર્ડ હટાવીને ત્યાં ચેક કરતા અંદરથી જુદા જુદા બ્રાન્ડનો 56 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે 25,400 રૂપિયાનો આ દારૂનો જથ્થો કબ્જે કરીને તેની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે બે બુટલેગરોની ઘરપકડ કરીને તેઓ કેટલા સમયથી આ ધંધો કરતા હતા અને માલ કોને કોને વેંચતા હતા..તે બાબતે પુછપરછ હાથ ધરી છે..
