Not Set/ ઈરાકમાં માર્યા ગયેલા ૩૮ ભારતીયોના મૃતદેહ લઇ ભારત પહોચ્યા વી કે સિંહ

અમૃતસર, આજથી લગભગ ૪ વર્ષ પહેલા ઈરાકમાં ISIS દ્વારા મારવામાં આવેલા ૩૮ ભારતીયોના મૃતદેહ ભારત પરત લાવવામાં આવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહ માર્યા ગયેલા તમામ ભારતીયોના દેહ સાથે વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા રાજધાની દિલ્લી પહોચ્યા હતા અને ત્યારબાદ તેઓ પંજાબ પહોંચ્યા હતા. નોધનીય છે કે, માર્યા ગયેલા તમામ ૩૮ વ્યક્તિઓમાંથી સૌથી વધુ ૨૭ પંજાબના છે. Punjab: Mortal […]

India

અમૃતસર,

આજથી લગભગ ૪ વર્ષ પહેલા ઈરાકમાં ISIS દ્વારા મારવામાં આવેલા ૩૮ ભારતીયોના મૃતદેહ ભારત પરત લાવવામાં આવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહ માર્યા ગયેલા તમામ ભારતીયોના દેહ સાથે વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા રાજધાની દિલ્લી પહોચ્યા હતા અને ત્યારબાદ તેઓ પંજાબ પહોંચ્યા હતા. નોધનીય છે કે, માર્યા ગયેલા તમામ ૩૮ વ્યક્તિઓમાંથી સૌથી વધુ ૨૭ પંજાબના છે.

જનરલ વી કે સિંહે જણાવ્યું હતું કે, “મૃતદેહોના DNA મેચ કરવાનું કામ સૌથી મુશ્કેલ હતું. કુલ ૩૮ લોકોના દેહ મળ્યા છે જયારે ૩૯માં દેહનું ડીએનએ મેચ કરવાનું હજી બાકી છે અને ત્યારપછી જ ઈરાકમાં માર્યા ગયેલા તમામ ભારતીય વ્યક્તિના મોત અંગે સ્પષ્ટતા થઇ શકશે”. આ ઉપરાંત ભારતીયોના મૃતદેહોની શોધવા માટે ઈરાકની સરકાર દ્વારા કરવામાં આવેલી મદદ અંગે વી કે સિંહે ધન્યવાદ કહ્યું હતું.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, “કોઈ પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર માટે ભારતીયોના મૃતદેહ લાવવા એ કોઈ ફુટબોલની રમત નથી, આ માટે તમામ સંવેદનશીલ છે. વિદેશ મંત્રાલય દ્વારા આ માર્યા ગયેલા તમામ વ્યક્તિઓના પરિવારજનો પાસે વિગતો માંગવામાં આવશે અને તેઓને નોકરી આપવામાં આવશે”.

પંજાબ સરકાર કરશે મદદ

ઈરાકના મોસુલથી ૩૮ ભારતીયોના મૃતદેહો પંજાબના અમૃતસર એરપોર્ટ પહોચ્યા હતા. ત્યરબાદ એરપોર્ટ પર તેઓના પાર્થિવ અવશેષો લેવા માટે પહોચેલા કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિધ્ધુએ મૃતકોના પરિવારજનોને ૫-૫ લાખ રૂપિયાની મદદ કરવાની ઘોષણા કરી હતી. સાથે સાથે તેઓએ મૃતકના દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની તેમજ હાલમાં આપવામાં ૨૦૦૦૦ રૂપિયાના પેન્શનને પણ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

 અમૃતસર પછી કોલકત્તા પહોચશે વાયુસેનાનું વિમાન

અમૃતસર બાદ વાયુસેનાનું વિશેષ વિમાન કોલકત્તા માટે ઉડાન ભરશે, અને ત્યાં સાંજે ૫.૩૦ વાગ્યે પહોચશે. ત્યારબાદ વિમાન બિહારના પટના જવા માટે રવાના થશે અને રાત્રે ૮.૩૦ પહોચશે.

વિદેશ રાજયમંત્રીએ આપી સલામી

ઈરાકમાં મૃતદેહોને વિમાન ચઢાયા બાદ વિદેશ રાજયમંત્રી વી કે સિંહે તેને સલામી આપી હતી. આ દરમિયાન તેઓએ આતંકવાદીઓની આલોચના કરી હતી અને આતંકવાદ સામે કરવામાં આવી રહેલી લડત માટે સરકારનો અભિગમ પણ સ્પષ્ટ કર્યો હતો.

બીજી બાજુ ISISને “ક્રૂર સંગઠન” ગણાવતા તેઓએ જણાવ્યું, “અમારા દેશના નાગરિકો ISISની ગોળીઓના શિકાર બન્યા છે. અમે દરેક પ્રકારના આતંકવાદની વિરુધ છીએ”.

ઉલ્લેખનીય છે કે, ૩૯ મૃતદેહમાંથી ૩૮ના DNA તમામ રીતે મેચ કરવામાં આવી ચુક્યા છે જયારે અન્ય એક દેહનું ૭૦ ટકા ડીએનએ મેચ થયું છે. જેનાથી સાબિત થશે કે મોસુલમાં લાપતા થયેલા તમામ ભારતીયોના મોત થઈ ચુક્યા છે.

વર્ષ ૨૦૧૪માં લાપતા થયા હતા ૩૯ ભારતીયો

મહત્વનું છે કે, જૂન, ૨૦૧૪માં ઈરાકના ઉત્તરી મોસુલ શહેરમાં આતંકવાદી સંગઠન ISIS દ્વારા કબ્જો કર્યા બાદ તેઓએ ભારતના તમામ મજુરોનું અપહરણ કર્યું હતું. જો કે ત્યારબાદ આ તમામ ભારતીયોના મૃત્યુ અંગે અનેક શંકા-કુશંકાઓ સામે આવી રહી હતી પરંતુ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં આ અંગે સ્પષ્ટતા કરી હતી.

ગત ૨૦ માર્ચના રોજ વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, જૂન, ૨૦૧૪માં મોસુલમાં માર્યા લાપતા થયેલા તમામ ભારતીયોનું ડીપ પેનિટ્રેશન રડાર દ્વારા ચકાસણી કરવામાં આવી ચૂકી છે. તમામ દેહોને જોવામાં આવી રહ્યા છે ત્યારબાદ અવશેષોને બહાર કાઢીને તેઓના ડીએનએ મેચ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.