દહેગામ,
આપણાં દેશમાં અનેક સરકારી યોજનાઓની હાલત એવી છે કે જેના માટે કરોડો રૂપિયા ફળવાયા હોય તેમ છતાં આ યોજનાઓનું ખાતમુહુર્ત પણ ના થયું હોય. આપણાં ગુજરાતની જ વાત કરીએ, તો જળ સંચય માટેની એક યોજના માટે 20 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફળવાઇ છતાં આ યોજના કાગળ પર જ રહી ગઇ હતી.
૨૦૧૭ના વર્ષમા ચુંટણી ટાણે જ તત્કાલીન જળ સંચય મંત્રી નાનુભાઇ વાનાણીએ દહેગામ અને બાયડ તાલુકાના ખેડુતો માટે કેનાલ બનાવવાની જાહેરાત કરી હતી. આ કેનાલ માટે 20.49 કરોડ રૂપિયાની ફાળવણી પણ થઇ છતાં કેનાલનું એક રૂપિયાનું બાંધકામ પણ થવા નથી પામ્યું. જેને લઇને ખેડૂતો લડી લેવાના મૂડમાં છે અને જો ચોમાસા પેહલા કામ શરૂ નહિ કરવામાં આવ્યું તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.
2013માં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે કેનાલ બનાવમાં આવી હતી તે કેનાલમાંથી સાબરકાંઠાના તલોદ તાલુકાના રોજડ ગામના માઈનોર દરવાજા માંથી પાણી ખાત્રીબા કોસમાં છોડી બાયડ તથા દહેગામ તાલુકાના આશરે 100 ગામોના પાણીના તડ ઉંચા લાવવા માટે આયોજન કરાયું હતું. ત્યાર બાદ કામ શરૂ થયું અને તલોદ તાલુકાના લીંબ ગામ સુધી પાણીની આવક શરૂ થઇ ગઈ હતી. પણ બાયડ તાલુકાના તેનપુર ગામે ખેડૂતો વિરોધ કરતા કામ અટકી ગયું હતું. વર્ષો વિતી ગયા છતાં પણ કોઈ રાજનેતા દ્વારા આમાં કોઈ જ જાતની દખલગીરી ન થઈ અને કામ અધૂરું રહી ગયું.
ત્યાર બાદ દહેગામ તાલુકાના 61 ગામો દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી અને તે સમિતિ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી. સમય હતો 2017ની ચુંટણીનો એટલે 61 ગામોના ખેડૂતોના વિરોધને લઈને સરકાર હાર ભાડી જતા તત્કાલીન જળ સંચય મંત્રી નાનુભાઈ વાનાણી દ્વારા બધા ખેડૂતોને એકઠા કરી અને ભૂડાસણ ગામ ખાતે એક ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં તારીખ 27-9-2017 ના રોજ સ્નેહ સંમેલન રાખી અને ભૂડાસણ ગામના પાદરમાં ખાત્રીબા કોસનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું.
સાથે તેવી બાહેધરી આપી કે, જલ્દીથી જલ્દી આ કામ પૂર્ણ કરી અને દહેગામ તાલુકાના 61 ગામોના ખેડૂતોના પાણનો પ્રશ્નું અમે નિરાકરણ લાવી દેશું. નેતાઓના વચન મૃગજળ સમાન સાબિત થયા. ચુંટણી પતિ ગઈ અને દહેગામમાં ભાજપની સત્તા પણ આવી ગઈ છતાં પણ આજે 7 મહિનના સમય પછી એક નવા પૈસાનું કામ થયું નથી.
ભૂડાસણના સરપંચ પ્રમોદભાઈ જીવાભાઈ પટેલનું કહેવું છે કે, ચુંટણી પેહલા અહીંયા ભૂડાસણ ખાતે ખાત્રીબા કેનાલનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું અને રૂપિયા ૨૦ કરોડ ઉપર મંજૂર કરવામાં આવ્યા છે અને ઝડપી પ્રક્રિયા કરી અને અમે આ કામ પતાવી દઈશું તેવી બાહેધરી આપવામાં આવી હતી. તેનપૂર ગામના લોકોએ દહેગામના ખેડૂતની દશા જોઈ અને પોતાની જમીન સંપાદન કરવા માટે મંજૂરી આપ્યા હોવા છતાં પણ આજે કામ જેછે તેની સ્થિતિમાં છે.
તેનપૂર ગામના સરપંચ વિનુભાઈ રામાભાઈ પટેલનું કહેવું છે કે, ખાત્રીબાં કેનાલ મુદ્દે અમારો વિરોધ હતો પણ અમે આજુ બાજુના ખેડૂતોને પાણી નોહતુ મળતું તે માટે અમે અમારો વિરોધ પાછો ખેચી લીધો હતો અને ત્યાર બાદ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે વાત ને સાત-આઠ મહિના વિતી ગયા હોવા છતાં કોઈ પણ સરકારે પગલું લીધું નથી. વર્ષ 2013માં કામ શરૂ થયું ત્યારે ખેડૂતોએ જમીન સંપાદિત કરી હતી જેનું વળતર પણ ત્યાંના ખેડૂતો એ માગ્યું ન હતું કારણ કે તેમને પાણી મળવાનુ હતું અને તેમના તડ રિચાર્જ થવાના હતા.
ભુડાસણ ગામના ખેડૂત કાનજીભાઈ છગનભાઈ પટેલનું કહેવું છે કે, 2013માં કેનાલનું કામ શરૂ થયું ત્યારે મારી જમીન સંપાદિત થઈ હતી અને અમે આનંદમાં હતા. અમારે પૈસા નથી જોઈતા અમારતો પાણી જોઈએ છે. ચુંટણી પેહલા અહીંયા ભૂડાસણ ખાતે ખાત્રીબા કેનાલનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું અને રૂપિયા 20 કરોડ ઉપર મંજૂર કરવામાં આવ્યા છે અને જડપી પ્રક્રિયા કરી અને અમે આ કામ પતાવી દઈશું તેવી બાહેધરી આપવામાં આવી હતી. તેનપૂર ગામના લોકોએ દહેગામના ખેડૂતોની દશા જોઈ અને પોતાની જમીન સંપાદન કરવા માટે મંજૂરી આપ્યા હોવા છતાં પણ આજે કામ થયું નથી.

દહેગામ તાલુકાના ૬૧ ગામોના ખેડૂતો આજે પણ નર્મદાના નીરની રાહ જોઈને બેઠા છે અને હવે ફરી થી ખેડૂતો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ૬૧ ગામ ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ જ્યારે તાજેતરમાં જળસંચય મંત્રી પરબત પટેલને રજૂઆત કરવા ગયા ત્યારે તેમણે માહિતી મંગાવતા જાણવા મળ્યું કે હજુ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી. ટેન્ડર પાસ થશે એટલે કામ થઈ જશે એવી હૈયા ધારણા આપી હતી.

દહેગામ તાલુકા 61 ગામ ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ ઠાકોર બાબુસિંહ મેલસિંહનું કહેવું છે કે, અમે 61 ગામોના ખેડૂતોએ સરકારને ખુબજ રજૂઆત કરી ત્યારે 27-9-2017 ના રોજ મંત્રી નાનુભાઈ વાનાણીએ ખાત મુહુર્ત કર્યું હતું અને ત્યારે તેમણે એવું કહ્યું હતું કે ટૂંક સમયમાં જ આનું કામ શરૂ કરીશું. પણ કોઈ કામ ન થતાં હમણાં અમે સિંચાઇ મંત્રી પરબત પટેલ પાસે ગયા ત્યારે તેમને સચિવ પાસે માહિતી માંગી અને જણાવ્યું હતું કે હજી ટેન્ડર પ્રક્રિયામા કામ છે. આટલા મહિના વીત્યા છતાં કોઈ નક્કર પગલાં લીધા નથી એટલે જો ચોમાસા સુધી કોઈ કામ થશે નહિ તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છે.
