ભરૂચ,
ભરૂચના અંકલેશ્વરમાં ૩.૫૦ કરોડની સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પત્નીએ જ પોતાના પતિને સબક શીખવાડવા માટે સાડા ત્રણ કરોડની લૂંટનો કારસો રચ્યો હતો. આ કેસમાં ભોગ બનનારની પત્ની સહિત કુલ પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે ૨૮-એપ્રિલે રાત્રીના સાડા બાર વાગ્યાના અરસામાં ચાર અજાણ્યા આરોપીઓ એક કારમાં આવ્યા હતા અને અંકલેશ્વરની ગુરૂક્રુપા સોસાયટીમા રહેતા મનસુખભાઇ રાદડીયાના ઘરમા પ્રવેશ કરી આ લૂંટ કરી હતી. મનસુખભાઇ તથા તેમના પરિવારજનોને બંધક બનાવી બંદુક જેવું હથીયાર મનસુખબાઈના પત્નીના લમણે મુકીને તેમનું મોઢું અને હાથ, પગ બાંધી દીધા હતા. તથા ક્લોરોફોર્મ સુંઘાડીને બેભાન કરીને સાડા ત્રણ કરોડ જેટલી માતબર રકમની લુંટ કરી ફરાર થઈ ગયા હતા.
જે ગુનાની ફરીયાદ મનસુખભાઇ રાદડીયાનાઓએ નોંધાવતા અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે ઇ.પી.કો કલમ ૩૯૭, ૩૯૪, ૩૯૨, ૪૫૨, ૪૫૦, ૩૪૨ અને ૩૨૮ ઉપરાંત આર્મ્સ એક્ટની કલમ ૨૫ ૧-બી-એ અને જી.પી.એક્ટ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ વડોદરા રેંજના પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમાની સુચના અને ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક સંદિપસિંહ ના માર્ગદર્શન હેઠળ એસઓજી, એલસીબી સહિત પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. વિવીધ દિશામાં ગુનેગારોને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.
વડોદરા રેંજના પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમાની સુચના અને ભરૂચજીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંદિપસિંહના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસ એલ.સી.બી.ને અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન વિસ્તારમા તા.૨૮ એપ્રિલે રાત્રીના થયેલ રૂ . ૩.૫૦ કરોડની સનસનાટી ભરી લુંટનો ભેદ માત્ર ત્રણ દિવસમા ઉકેલવામાં સફળતા મળી હતી.
