લંડન,
દુનિયાભરમાં પ્રખ્યાત સોશિયલ સાઈટસ ફેસબુકના ડેટા ચોરીના મામલે બ્રિટીશ કંપની કેમ્બ્રિજ એનાલિટીકાનું નામ સામે આવ્યું હતું, ત્યારે હવે બુધવારથી આ કંપનીનું કામકાજ તત્કાલ પ્રભાવથી બંધ કરવાની ઘોષણા કરવામાં આવી છે.
કેમ્બ્રિજ એનાલિટીકા દ્વારા બ્રિટન અને અમેરિકામાં પોતાને દેવાળું ઘોષિત કરવા માટે આવેદન આપવાની પણ ઘોષણા કરવામાં આવી છે.
ડેટા ચોરીના આરોપો બાદ ક્લાઈન્ટ મળવા હવે મુશ્કેલ બની રહ્યા છે
ડેટા ચોરીના મામલે સપડાયેલી આ બ્રિટિશ કંપની દ્વારા પોતાના નિવેદનમાં જણાવવામાં આવ્યું, “હવે નક્કી કરવામાં આવ્યું છે કે, આ સમયે વ્યવસાયમાં બની રહેવાની કોઈ સંભાવના નથી”.
લંડન સ્તિથ કેમ્બ્રિજ એનાલિટીકાની પેરેન્ટ કંપની એસસીએલ ગ્રુપના સંસ્થાપક નાઈજોલ ઓક્સે આ મામલે પૃષ્ટિ કરતા જણાવ્યું, “કંપની પોતાનો વ્યવસાય બંધ કરી રહી છે. ડેટા ચોરીના આરોપો બાદ ક્લાઈન્ટ મળવા હવે મુશ્કેલ થઇ રહ્યા છે ત્યારે કામ કરવું સહેલાઈ ભર્યું નથી”.
અમારા પર ડેટા ચોરીના આરોપો ખોટા છે : કેમ્બ્રિજ એનાલિટીકા
ફેસબુક ડેટા ચોરીના મામલામાં સપડાયેલી આ બ્રિટીશ કંપની દ્વારા આ આરોપો ખોટા ગણાવ્યા હતા. પોતાના નિવેદનમાં કંપની દ્વારા જણાવ્યું, “છેલ્લા કેટલાક મહિનાઓથી અમારી કંપની પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. પોતાના રેકોર્ડ યોગ્ય કર્યા બાદ પણ આ સ્થિતિ થાડે પડી ન હતી. આ ઉપરાંત કાયદાકીય રીતે પણ કંપનીને અપમાનિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે”.
દુનિયાભરમાં કંપનીને ઘણા લીગ મામલાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે હવે સહેલાઇ ભર્યું નથી. આ સમયમાં કંપનીને બીજીવાર ઉભી કરવું એ આશાન રહ્યું નથી તેમજ પહેલાનો વિશ્વાસ પૈદા કરવો હવે ઘણું મુશ્કેલી ભર્યું છે.
ભારતને પોતાના સવાલોના મળશે જવાબ ?
મહત્વનું છે કે, ફેસબુકની ડેટા ચોરીનો મામલો સામે આવ્યા બાદ ભારત સરકાર દ્વારા પણ કેમ્બ્રિજ એનાલિટીકા પર પોતાનું સખ્ત પગલા ઉપાડ્યા હતા. સરકાર દ્વારા આ મામલે એક નોટિસ જાહેર કરવામાં આવી હતી આને આ ડેટા ચોરી અંગે સવાલોના જવાબ માંગ્યા હતા.
ત્યારે હવે કંપની દ્વારા પોતાના શટર બંધ થયા બાદ હવે ભારત સરકારને પોતાના સવાલોના જવાબો મળશે કે નહીં તે અંગે મોટો સંશય જોવા મળી રહ્યો છે.
મહત્વનું છે કે, ફેસબુક ડેટા લીક મામલો એ કેમ્બ્રિજ એનાલિટીકા ફર્મ સાથે જોડાયેલુ છે તેઓએ ગેરકાયદેસર રીતે ફેસબુકના કરોડો યુઝરોના ડેટા સાથે છેડ-છાડ કરીને ૨૦૧૬માં યોજાયેલી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરી હતી અને આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફાયદો પહોચાડ્યો હતો. જો કે ત્યારબાદ ફેસબુક દ્વારા આ મામલાની તપાસ માટે એક ડિજિટલ ફોરેન્સિક એજેન્સીને પણ હાયર કરી છે.
