દિલ્લી,
હાલમાં રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૧મી સિઝનમાં રમાનારા પ્લેઓફ અને ફાઈનલ મેચના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ IPLની મેચોમાં મોળી રાત સુધી સમાપ્ત થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્લેઓફ અને ફાઈનલના મુકાબલા ૮ વાગ્યાના બદલે ૭ વાગ્યે શરુ થશે.
IPLના ચેરમેન રાજીવ શુક્લાએ એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં આ જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, “IPL તમામ રીતે ક્રિકેટના ફ્રેન્ડસ માટે છે. પ્રશંસકોના ફાયદાને જોતા આ વાતનો નિર્ણય કરવામાં આવ્યો છે કે, પ્લે ઓફ અને ફાઈનલના મુકાબલા એક કલાક પહેલા શરુ થશે”.
IPL ચેરમેને જણાવ્યું હતું કે, “મેચ લાંબા સમય સુધી ચાલવાના કારણે ન માત્ર સ્ટેડિયમમાં ઉપસ્થિત ક્રિકેટના ફ્રેન્ડસને મુશ્કેલી પડે છે પરંતુ ટીવી પર મેચ જોઈ રહેલા દર્શકોને પણ પરેશાની થતી હોય છે. મેચ જયારે એક કલાક વહેલા ચાલુ થાય છે ત્યારે બીજા દિવસે ઓફિસ, સ્કૂલ અને કોલેજ જનારા વ્યક્તિઓ તેમજ વિધાથીર્ઓને કોઈ તકલીફ પડતી નથી.
ત્યારે હવે સમયમાં ફેરફાર કર્યા બાદ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ૨૨ મેના રોજ પ્રથમ ક્વોલિફાયર અને ફાઈનલ મુકાબલો ૭ વાગ્યે શરુ થશે, જયારે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે ૨૫ મેના રોજ બીજો ક્વોલિફાયર અને ૨૩ મેના રોજ એલિમિનેટર મેચ પણ સાંજે ૭ વાગ્યે શરુ થશે.
