વોશિંગ્ટન
ભારત દ્વારા રશિયા પાસેથી S-400 સીસ્ટમ ખરીદવા પર અમેરિકાએ નારાજગી દર્શાવી છે. ટ્રમ્પ પ્રશાસન એ વાતથી ચિંતિત છે કે રશિયા S-400 સીસ્ટમની ખરીદીથી ભારત અને અમેરિકા વચ્ચેના સૈન્ય સહયોગને ઝટકો લાગી શકે છે. અમેરિકાએ સંકેત આપ્યો હતો કે ભારત સાથેની પ્રાસ્તાવિક આર્મ્ડ ડ્રોન MQ-9 અને અન્ય ઉચ્ચ ટેકનીક વાળા ઉપકરણોની ડીલ પર અસર પડી શકે છે. એક જાણીતી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં હાઉસ આર્મ્ડ સર્વિસ કમિટીના ચેયરમેન વિલીયમ થોર્નબેરીએ કહ્યું કે અમે ભારતને મહત્વનું સ્ટ્રેટેજીકલ પાર્ટનર માનીએ છીએ, પરંતુ જો કોઈ દેશ રશિયા પાસેથી ઉપકરણોની ખરીદી કરે છે તો તે દેશને અમેરિકાના આધુનિક સૈન્ય ઉપકરણો આપવા માટે સીમિત કરી દેવામાં આવશે.
વાતો-વાતોમાં અમેરીકાએ ભારતને કડક સંદેશ આપ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વિલિયમ થોર્નબેરી અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગોન અને બધી અમેરિકી સૈન્ય સેવાઓની દેખરેખ કરે છે. એમણે કહ્યું કે હાલ જે રીતે રશિયન મેથડ હાવી થઇ રહી છે તે રીતે બીજા દેશો સાથે કામ કરવામાં અમને વાંધો આવી શકે છે.
મહત્વનું છે કે ભારતે વાયુ સેના માટે રશિયા પાસેથી S-400 વાયુ રક્ષા મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે કિંમત સંબંધી વાતચીત પૂરી કરી લીધી છે. આ સોદો લગભગ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનો છે.
ગયા વર્ષે ટ્રમ્પ પ્રશાસને ભારત જેવા સાથી દેશ માટે સશસ્ત્ર, માનવ રહિત ડ્રોનની નિકાસને મંજુરી આપી હતી. ભારત અમેરિકા અને રશિયા બંને સાથે ઘનિષ્ઠ સંબંધ રાખે છે. થોર્નબેરીના કહ્હેવા અનુસાર ભારતનો રશિયા સાથેનો સોદો અમેરિકા પાસેથી મળી રહેલાં માનવરહિત ડ્રોનના સોદામાં રોડા નાખી શકે છે. રશિયાએ દશકોથી ભારતને સૈન્ય હથિયાર પ્રણાલીઓ પ્રદાન કરી છે.
આ વર્ષની શરૂઆતમાં અમેરિકાએ અમેરિકી ચુંટણી પ્રક્રિયામાં શામેલ થવાના આરોપસર રશિયા વિરુદ્ધ પ્રતિબંધ અધિનિયમ પાસ કર્યો હતો. આનો મતલબ એ છે કે અમેરિકા ભારત જેવા દેશો પર રશિયા પાસેથી હથિયાર મેળવવા બાબતે પ્રતિબંધ લગાવી શકે છે. થોર્નબેરીએ ઈશારો કર્યો કે ભારતના આ પગલાથી તેઓ નિરાશ થયા છે.
