મુંબઈ,
મુંબઈના ફુટબોલ અરેના ખાતે રમાયેલી ઇન્ટરકંટિનેન્ટલ કપની ફાઈનલ મેચમાં ભારતે કેન્યાની ટીમને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીના ૨ ગોલની મદદથી કેન્યાની ટીમને ૨-૦થી હરાવી હતી.
બીજી બાજુ આ સાથે જ ભારતીય ટીમના કેપ્ટન સુનીલ છેત્રી ફુટબોલની આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આર્જેન્ટીનાના મહાન ખેલાડી લિયોનલ મેસ્સીના રેકોર્ડની બરાબરી કરી છે.
સુનીલ છેત્રી અને લિયોનલ મેસ્સીના નામે હવે ૬૪ આંતરરાષ્ટ્રીય ગોલ છે. જયારે હવે આ બંને ખેલાડીઓની આગળ માત્ર પુર્તગાલના સુપરસ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જ આગળ છે. રોનાલ્ડોએ ૧૫૦ મેચોમાં ૮૧ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા છે. જો કે ફુટબોલમાં આંતરરાષ્ટ્રીય ગોલ કરવાના મામલે છેત્રી અને મેસ્સી ૧૮માં સ્થાને છે જયારે ઈરાનના મહાન ખેલાડી અલી ડેઇના નામે સૌથી વધુ ૧૦૯ ગોલ છે.
ઇન્ટરકંટિનેન્ટલ કપની ફાઈનલ મેચમાં સુનીલ છેત્રીએ આઠમી મિનિટમાં ગોલ કરીને ભારતને લીડ હાંસલ કરાવી હતી અને ત્યારબાદ ૨૯મી મિનિટમાં વધુ એક ગોલ કરવાની સાથે જ મેસ્સીના રેકોર્ડની બરાબરી કરી હતી. સુનીલ છેત્રીના ૨ ગોલની સાથે જ ભારતે બનાવેલી ૨-૦ની લીડ મેચના હાફ ટાઈમ સુધી જાળવી રાખી હતી. જો કે ત્યારબાદ બીજા હાફમાં પણ બંને ટીમો દ્વારા જોરદાર ટક્કર જોવા મળી હતી, પરંતુ કોઈ પણ ટીમ ગોલ કરવામાં સફળ રહી ન હતી.
આ પહેલા ન્યુઝીલેન્ડ સામની મેચમાં ૧-૨થી ભારતનો પરાજય થયો હતો જો કે ત્યારબાદ ટીમ આજે પોતાની લયમાં જોવા મળી છે.
