અડાલજ,
અડાલજના અદાણી શાંતિગ્રામમાં રહેતી યુવતિને તેના પૂર્વ મંગેતર દ્વારા ધમકી અપાઈ હોવાની ફરીયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. યુવતિ નોકરી પરથી રીક્ષામાં ઘરે જતી હતી ત્યારે પૂર્વ મંગેતર કોઈ અજાણી વ્યક્તિને મોકલી મુદ્ત પે નહીં આના વરના તેરા બુરા હાલ કર દેંગે, યે ધાર્મિક કા પ્યાર સમજા યા નફરત. તેમ કહી ધમકી આપી હતી.
મળતી માહિતી મુજબ, અડાલજના અદાણી શાંતિગ્રામમાં સુસ્મિતા રોલ તેની મિત્ર સાથે રહે છે. સુસ્મિતાએ વર્ષ ૨૦૧૬માં શાદીડોટકોમ પર લગ્ન માટે પ્રોફાઈલ મુકી હતી. જેથી આ અંગે બોપલમાં આવેલ શુભ રેસીડેન્સીમાં રહેતા ધાર્મિક ઠક્કર તરફથી લગ્ન માટે તેને પ્રપોઝળ મળ્યુ હતું. બન્ને એકબીજાને પસંદ આવતા લગ્ન કરવાનુ નક્કી કર્યુ હતું.
દરમિયાન સુસ્મિતાને જાણ થઈ હતી કે, ધાર્મિક અન્ય યુવતિઓ સાથે પણ સંબંધ ધરાવે છે. જેથી તેણે ધાર્મિક સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જાકે ધાર્મિકે સુસ્મિતા પાસેથી રોકડ અને દાગીના લઈ લીધા હોવાથી એપ્રિલ ૨૦૧૭માં તેણે ધાર્મિક સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી, જેનો હાલ કોર્ટમાં કેસ ચાલુ છે.
ત્યારે સુસ્મિતાને હાલમાં આ અંગે ધમકી મળી હતી. તે આશ્રમ રોડ પરથી રીક્ષા બેસીને ઘરે જઈ રહી હતી ત્યારે એકટીવા પર અજાણી વ્યક્તિ તેની પાસે આવી હતી અને મુદ્ત પે નહીં આના વરના તેરા બુરા હાલ કર દેંગે, યે ધાર્મિક કા પ્યાર સમજા યા નફરત. તેમ કહી ધમકી આપી હતી. જે અંગે સુસ્મિતાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
