લોર્ડ્સ,
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમે ૮ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. પ્રથમ વન-ડેમાં કુલદીપ યાદવ અને રોહિત શર્માના મેચ વિનિંગ પરફોર્મન્સના કારણે ભારતે યજમાન ટીમને હરાવી હતી, ત્યારે હવે શનિવારે ત્રણ મેચની બીજી મેચ લોર્ડ્સના ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે ૩.૩૦ વાગ્યે શરુ થશે.
ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમાનારી બીજી મેચમાં ભારતીય ટીમ આ મેચ જીતીને ત્રણ મેચની શ્રેણી પોતાના નામે કરવાના ઈરાદાથી ઉતરશે. રોહિત શર્મા, કેપ્ટન વિરાટ કોહલી અને ચાઈનામેન્ટ ગુગલી બોલર કુલદીપ યાદવના શાનદાર ફોર્મમાં છે.
જયારે ઈંગ્લેંડની ટીમમાં પણ ઓપનર બેટ્સમેન જેશન રોય, વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર, બેન સ્ટોક્સ સહિતના ખેલાડીઓ ફોર્મમાં છે ત્યારે યજમાન ટીમ આ મેચ જીતીને શ્રેણી ૧-૧થી સરભર કરવાનો પ્રયત્ન કરશે.
મહત્વનું છે કે, ભારતે હાલમાં ઈંગ્લેંડની ટીમને ટી-૨૦ શ્રેણીમાં ૨-૧થી હરાવ્યું હતું.
