રાજકોટ.
રાજકોટ શહેરના માથાના દુઃખાવારૂપ ટ્રાફિક સમસ્યા હળવી કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અભિયાન શરૂ કર્યું છે. આ દરમિયાન રાજકોટ શહેરમાં અકસ્માતોના બનાવોને પણ અટકાવવા પોલીસ અને આરટીઓએ સંયુકત અભિયાન શરૂ કરી અલગ અલગ સ્કૂલોમાં ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં વાહનો લઈ નીકળેલા 294 વિદ્યાર્થીઓ લાયસન્સ વગર નીકળતા તમામના વાલીઓને બોલાવી જોઈન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, આરટીઓ ઈન્સ્પેકટર શાહ સહિતના અધિકારીઓએ ટ્રાફિક નિયમન અંગે સમજુતી આપી હતી.
શહેરમાં અકસ્માતના બનાવો બનતા અટકાવવા ખાસ વિદ્યાર્થીઆેને પકડવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં જેસીપી સિદ્ધાર્થ ખત્રી, આરટીઓ ઇન્સ્પેક્ટર શાહ સહિતના અધિકારીઓએ ટ્રાફિક પોલીસને સાથે રાખીને લાઇસન્સ વિના વાહન લઈને નીકળેલા 294 વિદ્યાર્થીઓને ઝડપી લઇ તેમના વાલીઓને બોલાવી ટ્રાફિક નિયમન અંગે સમજૂતી આપી હતી તેમજ લાઇસન્સ વિના વાહન ચલાવવાની વાલીઓ દ્વારા મંજૂરી એવી એ અકસ્માતને આમંત્રણ આપવા સમાન છે તેમજ નિયમ ભંગ કરનારને એક હજારનો દંડ અને ચાર મહિનાની જેલની સજા હોવાથી વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં ન મુકાય તે માટે વાલીઓ વિદ્યાર્થીઓને સમજાવે અને વાહનોના ઉપયોગ કરવાની મંજૂરી ન આપે તેવી અપીલ કરી હતી.
