અમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ ગણતરીના કલાકોમાં કેબિનેટ મંત્રી પદ મેળવનારા કુંવરજી બાવળિયાની ખાલી પડેલી જસદણ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેના અંતર્ગત તંત્ર દ્વારા ભાવનગરથી 800 EVM મગાવવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના સિનિયર નેતા કુંવરજી બાવળિયા જીત્યા હતા. પરંતુ થોડા સમય અગાઉ પક્ષના મોવડીમંડળથી નારાજ રહેતા કુંવરજી બાવળિયાએ કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ કુંવરજી બાવળિયાએ ભાજપની વિજય રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રીપદના શપથ લીધા હતા.
કુંવરજી બાવળિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધા બાદ ખાલી પડેલી જસદણ વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી યોજવા માટે ચૂંટણીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી કયારે યોજાશે? તેની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ આ પેટા ચૂંટણી સંભવતઃ મોટાભાગે દિવાળીના તહેવાર પછી એટલે કે નવેમ્બર-ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાય તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આ કવાયતના ભાગરૂપે ભાવનગરથી 800 EVM મશીન મંગાવવામાં આવ્યા છે. જેમાં 400 બેલેટ યુનિટ, 150 કન્ટ્રોલ યુનિટ અને 250 વીવીપેટ મગાવવામાં આવેલ છે. આ ઉપરાંત એમ-2 પ્રકારના ઈવીએમનો કબજો લેવા માટે આગામી સપ્તાહમાં રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા એક ટીમને ભાવનગર મોકલવામાં આવે તેવી શક્યતા છે.
રાજકોટ કલેકટર કચેરીના ચૂંટણી શાખાના સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જસદણ વિધાનસભાની બેઠક પર 1.19 લાખથી વધુ પુરુષ અને 1.08 લાખ મહિલા મતદારો મળીને કુલ 2,28,333 મતદારો છે. આ પેટા ચૂંટણી માટે જસદણ સિવાયની વિધાનસભાની બેઠકમાંથી 1250 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ફરજના ઓર્ડર આપવામાં આવશે.
