અમદાવાદ: હાર્દિક પટેલના નિષ્પરિણામ રહેલા ઉપવાસના પારણા થયા બાદ પાસ ના અન્ય એક આંદોલનકારીએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ‘પાસ’ના સંગઠન પ્રભારી એવા દિલીપ સાબવાએ તા. 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક શહિદ પાટીદાર યુવાનોની યાદમાં ત્રિવિધ ભવન બનાવવાની જાહેરાત કરી છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેદ્ર મોદીને ટાર્ગેટ બનાવતા દિલીપ સાબવાએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી ચાલતા આંદોલનમાં 14 પાટીદાર યુવાનો શહિદ થયા હોવા છતાં તેમણે એક શબ્દ ઉચ્ચાર્યો નથી. ત્યારે જેમની કર્મભૂમિ, જન્મભૂમિ અને માતૃભૂમિ ગુજરાત હોઈ તેવા પ્રધાનમંત્રીને ગુજરાતના પાટીદારો અને ખેડૂતોની વેદનાનો સંદેશો આપવા માટે ‘કિસ મેં કિતના હૈ દમ, જેવો આ કાર્યક્રમ આપવામાં આવશે,
101 પાટીદાર અને ખેડૂત યુવાનો મૂંડન કરાવશે
આ કાર્યક્રમ અંતર્ગત તારીખ.30. 10. 2018 ના રોજ શહિદ પાટીદારોની પ્રતિમાની યાત્રા બોટાદથી 101 ગાડીના કાફલા સાથે નિકળી નર્મદા પહોચશે. જ્યાં તારીખ 30. 10. 2018ના રોજ ત્રિવિધ ભવનના સ્થળ ઉપર 101 પાટીદાર યુવાનો અને ખેડૂતો મુંડન કરાવશે. આ પછી અહિયાં આહુતિ યજ્ઞ યોજવામાં આવશે.
અહી ત્રિવિધ ભવનના લોકાર્પણમાં રાષ્ટ્રીય સ્તરના રાજકીય અને સામાજિક આગેવાનો પધારશે. તા. 31. 10. 2018 ના રોજ જ્યાં સ્ટેસ્ચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવનાર છે.
તે જગ્યાની નજીક તે જ સમયે પાટીદાર ત્રિવિધ ભવનનું લોકાર્પણ કરવામાં આવશે અને આ ઉપરાંત અનામત માટે સુપ્રીમ કોર્ટમાં લીગલ લડત પણ ચલાવવામાં આવશે. ત્રિવિધ ભવન અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ચલાવવા સામાજિક આગેવાનો અને ગુજરાતના પાટીદારોનું યોગદાન લેવામાં આવશે.
‘પાસ’ના સંગઠન પ્રભારી દિલીપ સાબવાએ સરકાર પાસે મુખ્ય છ માંગણી મૂકી છે
- પાટીદાર સમાજની ઓબીસીમાં સમાવેશની માંગ પૂરી થાય
- શહિદ પરિવારને ન્યાય મળે
- પાટીદાર યુવાનો પર થયેલ કેસ પાછા ખેંચવામાં આવે
- જવાબદાર અધિકારીઓ ઉપર પગલાં લો
- અલ્પેશ કથીરિયા સુરેશ ઠાકરે અને સતીશ પટેલને જેલ મુક્ત કરવામાં આવે
- ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ કરવામાં આવે
