રાજ્યભરનાં 900થી વધુ પોલીસ સ્ટેશનમાં માં-બાપ સાથે આવતાં બાળકો માટે તમામ પોલીસ સ્ટેશનમાં બાળકો માટે અલાયદો ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ અથવા કોર્નર બનાવાશે.
ચોરી ફરિયાદ, અન્ય ફરિયાદ-અરજી કે પાસપોર્ટ સહિતના કામ માટે બાળકો માતાપિતા સાથે પોલીસ મથકે આવતાં હોય છે. આવા સંજોગોમાં પોલીસ મથકમાં લોકઅપ, પોલીસની ઉગ્રતા કે તોછડાઈભરી વાતચીત, ગુનેગારોની સતત અવરજવર સહિતના માહોલમાં બાળકોના મગજ પર વિપરીત અસર પડતી હોય છે.

રાજ્યના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બાળ ગુનેગારો કે ગુનાનો ભોગ બનનારા બાળકો કે માબાપ સાથે પોલીસ સ્ટેશનમાં આવતા બાળકોને પોલીસ સ્ટેશન માં ફ્રેન્ડલી વાતાવરણ મળે તે હેતુથી ચાઈલ્ડ કોર્નરનો કોન્સેપ્ટ શરૂ કરાયો છે, જે ક્રમશઃ રાજ્યભરમાં અમલી થશે.

જે પોલીસ મથકમાં વધુ જગ્યા હશે ત્યાં ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ બનાવાશે અને જ્યાં જગ્યાની મર્યાદા હશે ત્યાં ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર બનાવાશે, જેમાં બાળકોને પ્રિય એવાં સાધનો હશે, દીવાલને કલરફૂલ પેઇન્ટ કરાશે, બેંચીસ, રમકડાં, સ્ટોરી બુક્સ, ઓડિયો-વીડિયો ફેસિલિટીઝ, પીવાના પાણીની અલાયદી વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.
