એસજી હાઈવે પર આવેલા ગોતાબ્રિજ પર મોડી રાતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. શેવરોલેટ ક્રૂઝ કારના ચાલકે બ્રિજ પર બાઇક અને એક્ટિવા પર જતા પ્રસંગ પાર્ટી પ્લોટના મેનેજર અને ઓફિસબોયને અડફેટે લેતાં બાઈકચાલક મેનેજરનું મોત નીપજ્યું છે, જયારે એક્ટિવાચાલક ઓફિસબોયને ઈજા પહોંચતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી ક્રૂઝ કારચાલકની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ ઘાટલોડિયા કૃષ્ણનગરમાં મુકેશ બલાઈ (28) તેના પરિવાર સાથે રહે છે. મુકેશ એસજી હાઇવે પર આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટમાં ઓફિસબોય તરીકે નોકરી કરે છે. જ્યારે ઘાટલોડિયાની નાલંદા સ્કૂલ પાસે આવેલા પાર્થ એવન્યૂમાં રહેતા જિજ્ઞેશભાઈ પટેલ (34) પાર્ટી પ્લોટના મેનેજર તરીકે નોકરી કરતા હતા.
ગઈ કાલે મોડી રાતે બાર વાગ્યાની આજુબાજુ મુકેશ એક્ટિવા પર અને જિજ્ઞેશભાઈ બાઈક પર ઘરે જવા માટે સાથે નીકળ્યા હતા. સાડા બાર વાગ્યાની આસપાસ બંને પોતાના વાહન પર ગોતાબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી એક કાર પુરપાટ ઝડપે આવી હતી અને મુકેશના એક્ટિવા અને જિજ્ઞેશભાઈના બાઈકને ટક્કર મારી હતી.
અકસ્માત બાદ કારચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લોકોએ કારચાલકનો પીછો કરી ગોતા વિસ્તારમાંથી કારચાલકને ઝડપી લઈ પોલીસના હવાલે કર્યો હતો. એ ડિવિઝન પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
