લખનઉ,
છેલ્લા કેટલાક વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે સિયાસી પારો ખુબ ગરમ થઇ ચુક્યો છે. આ વિવાદને લઈ અનેક કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓની સાથે અનેક રાજકીય આગેવાનોના નિવેદન સામે આવ્યા છે, ત્યારે આ વચ્ચે શિવપાલ યાદવનું એક મહત્વની પ્રતિક્રિયા સામે આવી છે.
સમાજવાદી પાર્ટીમાંથી છુટા પડેલા એવા શિવપાલ યાદવે કહ્યું હતું કે, “અયોધ્યાની વિવાદિત જમીન પર બાબરી મસ્જિદના સ્થાને રામ મંદિર ન બનવું જોઈએ”.

તેઓએ રામ મંદિર બનાવવા અંગે જણાવ્યું, “મંદિર બનાવવું હોય તો સરયુ નદીના કિનારે બનાવો, પરંતુ બાબરી મસ્જિદના સ્થાન પર મંદિર ન બનવું જોઈએ”.
પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે પાટનગર લખનઉ ખાતે જનઆક્રોશ રેલીનું આયોજન કર્યું હતું અને આ રેલી દ્વારા પોતાની તાકાત બતાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ રેલીની ખાસ વાત એ હતી કે મુલાયમસિંહ યાદવ પણ પહોંચ્યા હતા.
આ પહેલા RSSના સહકાર્યવાહક ભૈયાજી જોશીની એક પ્રતિક્રિયા સામે આવી હતી.

રાજધાની દિલ્હીમાં આયોજિત એક રેલીને સંબોધતા તેઓએ કહ્યું હતું કે, “રામ મંદિરના નિર્માણને લઈ અમે ભીખ નથી માંગી રહ્યા, સરકારે કાયદો બનાવવો જોઈએ”.
તેઓએ વધુમાં જણાવ્યું, “દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. જે દેશમાં કાયદાની વ્યવસ્થા, કોર્ટની પ્રત્યે અવિશ્વાસ નથી, તેની ઉત્થાન સંભવ નથી, આ અંગે પણ કોર્ટ વિચાર કરે”.
