પર્થ,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર – ગવાસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ પર્થ ખાતે રમાઈ રહી છે. બીજી ટેસ્ટમાં યજમાન કાંગારું ટીમ પ્રથમ ઇનિંગ્સમાં ૩૨૬ રન બનાવી ઓલઆઉટ થઇ હતી.
જો કે ત્યારબાદ મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ ઇનિંગ્સ દરમિયાન શાનદાર સદી ફટકારવાની સાથે જ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

દુનિયાના નંબર ૧ બેટ્સમેન વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે જ ટેસ્ટ કેરિયરની ૨૫મી સદી ફટકારી છે, આ સાથે જ હવે કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેન બાદ સૌથી ઝડપી ૨૫ સદી ફટકારવાનો રેકોર્ડ પોતના નામે કરી લીધો છે.
વિરાટ કોહલી એ ૧૨૭ ઇનિંગ્સમાં ૨૫ સદી ફટકારી છે, જયારે ડોન બ્રેડમેને આજથી ૭૦ વર્ષ પહેલા માત્ર ૬૮ ઇનિંગ્સમાં જ આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો જે આજ સુધી અકબંધ છે.
આ ઉપરાંત કેપ્ટન કોહલીએ આ મામલે ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને સુનિલ ગવાસ્કરને પાછળ છોડ્યા છે. સચિને આ ખાસ ઉપલબ્ધિ ૧૩૦ ઇનિંગ્સમાં જયારે સુનિલ ગવાસ્કરે ૧૩૮ ઇનિંગ્સમાં પૂર્ણ કરી હતી.
