નવી દિલ્હી: ગેરકાયદેસર રેતી ખનન અંગેના કેસના મામલે કેન્દ્રીય તપાસ પંચ (CBI) દ્વારા શનિવારે ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં 12 સ્થળો પર દરોડા પાડ્યા હતા. CBI ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, IAS અધિકારી બી.ચંદ્રકલા સહિત વરિષ્ઠ અધિકારીઓનાં ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, આ દરોડા ઉત્તરપ્રદેશનાં જાલૌન, હમીરપુર, લખનઉ સહિત અનેસ જિલ્લાઓની સાથે જ દિલ્હીમાં પણ પાડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિલા આઈએએસ અધિકારી બી. ચંદ્રકલા ભ્રષ્ટાચારની વિરુદ્ધ પોતાનાં અભિયાનો મુદ્દે સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય છે. બી. ચંદ્રકલા હાલ કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર કાર્યરત છે.
કોને ત્યાં અને ક્યાં ક્યાં સીબીઆઈએ પાડ્યા છાપા
સીબીઆઈ દ્વારા આજે ઉત્તર પ્રદેશમાં મશહૂર આઈએએસ અધિકારી બી. ચંદ્રકલા સહિત 11 વ્યક્તિઓને ત્યાં અવૈધ રેતી ખનન મામલે દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં આદિલ ખાન, બી. ચંદ્રકલા, તત્કાલિન માઈનિંગ ઓફિસર મોઈનુદ્દીન, સમાજવાદી પાર્ટીના એમએલસી રમેશ મિશ્રા અને તેમના ભાઈને ઘરે, માઈનિંગ ક્લાર્ક રામ અવતાર સિંહ અને તેમના સંબંધીઓ, અને સંજય દીક્ષિતને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
આ દરોડા જાલૌન, હમીરપુર, નોઈડા, લખનઉ અને કાનપુરમાં 14 સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે.
CBI Sources on illegal mining of minor minerals case: Adil Khan, B.Chandrakal, then mining officer Moinuddin, SP MLC Ramesh Mishra&his brother, mining clerk Ram Ashray Prajapati, Ambika Tiwari (Hamirpur), mining clerk Ram Avatar Singh & his relative and Sanjay Dikshit are accused
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 5, 2019
બીજી તરફ સીબીઆઇ અલ્હાબાદ હાઈકોર્ટનાં નિર્દેશ પર આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. મહિલા આઈએએસ અધિકારી બી.ચંદ્રકલાનું ઘર યોજના ભવન નજીક સફાયર એન્ડ વિલામાં આવેલું છે. હાલ બી.ચંદ્રકલા કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે.
બી. ચંદ્રકલાની છબી કડક અધિકારી તરીકેની છે

યુપીમાં તેમની છબી એક કડક અને ઇમાનદાર અધિકારી તરીકેની રહી છે. પહેલા બુલંદશહેર, હમીરપુર સહિત અનેક જિલ્લાઓમાં ડીએમ ચંદ્રકલાએ પોતાનાં કામ અને કડક અંદાજનાં કારણે ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. સીબીઆઇએ ચંદ્રકલાનાં હમીરપુર ખાતેનાં મકાન પર દરોડા પાડ્યા હતા.
સોશિયલ મીડિયામાં પણ ભારે લોકપ્રિય

બી.ચંદ્રકલા 2008 બેંચની IAS અધિકારી છે. ચંદ્રકલા સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત છે. લોકપ્રિયતાના મામલે ચંદ્રકલા ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ કરતા પણ ઘણી આગળ છે. ફેસબુક પર ચંદ્રકલાનાં 86,36,348 કરતા પણ વધારે ફોલોઅર્સ છે. બીજી તરફ અખિલેશનાં ફોલોઅર્સની સંખ્યા 68,16,363 છે.
બી. ચંદ્રકલા પર અગાઉ પણ લાગી ચૂક્યા છે આરોપ
વર્ષ 2017માં IAS બી.ચંદ્રકલા પોતાની સંપત્તિનો રિપોર્ટ આપવામાં ડિફોલ્ટર સાબિત થયા હતા. સિવિલ સેવા અધિકારીઓએ વર્ષ 2014 માટે 15 જાન્યુઆરી 2015 સુધીમાં પોતાની સંપત્તિનો રેકોર્ડ રજૂ કરવાનો હતો. જો કે એક વર્ષ પૂર્ણ થઈ ગયા પછી પણ આ અધિકારીઓએ પોતાની સંપત્તિની માહિતી આપી ન હતી. આ સમયે પણ આ અધિકારીઓની સાથે બી. ચંદ્રકલાના નામનો પણ સમાવેશ થયેલો હતો.
મહિલા IAS અધિકારીની સંપત્તિમાં એક વર્ષમાં થયો 90 ટકાનો વધારો
કેન્દ્ર સરકારના સામાન્ય વહીવટી વિભાગ અને પ્રશિક્ષણ વિભાગની માહિતી મુજબ બી.ચંદ્રકલાની સંપત્તિ વર્ષ 2011-12માં માત્ર 10 લાખ રૂપિયા હતી. વર્ષ 2013-14માં તે વધીને 1 કરોડ રૂપિયાની થઈ ગઈ હતી. એટલે કે એક વર્ષમાં તેમની સંપત્તિમાં 90 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

વર્ષ 2011-12માં પોતાનાં ઘરેણા વેચીને ચંદ્રકલાએ આંધ્રપ્રદેશના ઉપ્પલમાં 10 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો હતો. હવે તેમની પાસે લખનઉનાં સરોજિની નાયડૂ માર્ગ પર પોતાની પુત્રી કીર્તિ ચંદ્રકલાનાં નામથી 55 લાખનો ફ્લેટ છે.
જો કે ચંદ્રકલાએ એવો દાવો કર્યો હતો કે આ ફ્લેટ તેમનાં સાસુ-સસરાએ ભેટમાં આપ્યો હતો. તે ઉપરાંત આંધ્રપ્રદેશના અનૂપનગરમાં પણ તેમણે 30 લાખનું એક મકાન ખરીદ્યું છે. તેના કારણે તેઓ 1.50 લાખ રૂપિયા વાર્ષિક કમાણીનો દાવો કરે છે.
