ગાંધીનગર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. પીએમ 17 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી તેઓ ગુજરાતમાં રહેશે. સામાન્ય ગુરુવારે અને શુક્રવારે તેઓ તેમના માતા હિરાબાને મળી શક્યા ન હતા, પરંતુ આજે શનિવારે સવારે તેઓ તેમની માતાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. જેના પગલે હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પીએમ મોદી તેમની માતા અને પરિવાર સાથે અડધો કલાક જેટલો સમય વિતાવ્યો હતો.
આપને જાણવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું. તેના સાથે સાથે વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ તેમજ શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મૂક્યો હતો. મોદીએ રાત્રિ રોકાણ ગાંધીનગર ખાતે રાજભવનમાં કર્યું હતું. 18મી તારીખે તેમણે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું ઉદ્ધાટન કર્યું હતું.
મહત્વનું છે કે પીએમ મોદીના માતા હીરા બા તેમના ભાઇ પંકજ મોદી સાથે ગાંધીનગરના રાયસણમાં આવેલ વૃંદાવન બંગલોમાં રહે છે જ્યાં આજે વહેલી સવારથી જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સુરક્ષા અધિકારીઓ બંગલોની આસપાસ સઘન ચેકિંગ કરી રહ્યા છે.
શનિવારે બે કારના કાફલા સાથે પીએમ નરેન્દ્ર મોદી ભાઈના ઘરે પહોચ્યા હતા. અહીં તેમણે અડધો કલાક સુધી તેમની માતા સાથે વાતચીત કરી હતી અને પરિવારના બીજા સભ્યોને મળ્યા હતા.પીએમ મોદીનો કાફલો સોસાયટીમાં પહોંચતા જ ગેટ બંધ કરી દેવાયો હતો અને મીડીયાને પણ દુર રખાયું હતું.
