અમદાવાદ: અમદાવાદ શહેરની રામોલ પોલીસે એક એવી ચોરી કરતી મહિલા આરોપીની ધરપકડ કરી છે. જે ચોરી પણ જ્યાં ત્યાં નહિ માત્ર જ્વેલર્સની દુકાનમાંથી, અને તે પણ કોઈ મોટા દાગીના નહીં, માત્ર સોનાની વીંટીની જ ચોરી કરતી હતી. શા માટે મહિલા સોનાની વીંટી જ ચોરતી હતી. મહિલાનું ચોરી કરવા પાછળ એક મોટું રહસ્ય છે જેને પોલીસે જાહેર કર્યું છે.
અમદાવાદ શહેરની રામોલ પોલીસે એક ચોરી કરતી મહિલાની ધરપકડ કરી છે. રામોલ પોલીસે જેની ધરપકડ કરી છે તે મહિલા ચોર આરોપી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મોટાભાગના જ્વેલર્સને પોતાનું નિશાન બનાવી ચૂકી છે. આ હીના નાગર નામની મહિલા આરોપી જ્વેલર્સની દુકાનોમાં વીટી ખરીદવાના બહાને જતી અને શોરૂમમાંથી વીંટીની ચોરી કરી લેતી હતી. આ મહિલા એટલી ચાલાક હતી કે, જ્વેલર્સની દુકાનમાંથી સોનાની વીંટીની ચોરી કરીને કોઈને શક ના થાય તે માટે ઓરીજનલ વીંટીના સ્થાને ડુપ્લીકેટ વીંટીને મૂકી દેતી હતી.
ચોરી કરવા માટે જતી મહિલા ચોર આરોપી હિના નાગરની સાથે તેનો પતિ પણ જતો હતો. બંન્ને આરોપીએ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક જ્વેલર્સની દુકાનોમાં ચોરી કરી હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
રામોલ પોલીસ સ્ટેશનની હદમાં એક જ અઠવાડિયામાં બે જ્વેલર્સ દુકાનોમાં ચોરીની ઘટના બની હતી. જેથી રામોલ પોલીસ દ્વારા વોચ ગોઠવી હતી જેમાં આરોપી મહિલા હિનાની ધરપકડ કરી છે. જયારે ફરાર થઈ ગયેલા તેના પતિને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ દ્વારા ધરપકડ કરાયેલી મહિલાની પૂછતાછ કરતા એવી હકીકત સામે આવી હતી કે, આ મહિલા પોતાના પતિની દારૂની લત માટે ચોરી કરતી હતી. આ મહિલા દ્વારા રામોલના અન્ય કેટલા સ્થળો પર ચોરી કરવામાં આવી છે, તે અંગે પણ રામોલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
