નવી દિલ્હી,
૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પહેલા રાજધાની દિલ્હીમાં મોટો હુમલો કરવાના એક ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ તેમજ એક ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા દિલ્હીના અલગ – અલગ વિસ્તારોમાંથી ૩ શાર્પ શૂટર્સની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાનની જાસૂસ એજન્સી ISI દ્વારા મોકલવામાં આવેલા આ શૂટર્સના નિશાના પર પ્રજાસત્તાક દિવસ પહેલા દેશમાં બે મોટા નેતાઓની હત્યા કરીને ડરની ભાવના ઉભી કરવાનો હતો.
ગુપ્ત સૂત્રોના જણવ્યા મુજબ, આ ઓપરેશનના માસ્ટરમાઈન્ડની ઓળખ પાકિસ્તાનના અન્ડરવર્લ્ડ ડોન રસૂલ ખાન પાર્ટી તરીકે થઇ છે. નોધનીય છે કે, રસૂલ ખાન ૨૦૦૩માં માર્યા ગયેલા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાનો મુખ્ય ષડ્યંત્રકારી છે.
કોણ છે આ શાર્પ શૂટર ?
દિલ્હી પોલીસ દ્વારા અરેસ્ટ કરાયેલા ત્રણ શૂટરમાંથી એક અફઘાનિસ્તાનનો નાગરિક વલી મોહમ્મદ સબેર્ફી છે, જેના પિતાનું નામ સબીર છે. તે અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફનો રહેવાસી છે.
જયારે અન્ય બેમાં શેખ રિયાજુદ્દીન ઉર્ફ રાજા ઉર્ફ અલામી અને મુહાસિમ સીએમ ઉર્ફ તસ્લીમ છે. અલામી એ દિલ્હીના મદનગીર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રહે છે, જયારે તસ્લીમ એ કેરળના કાસરગોડનો રહેવાસી છે.
