નવી દિલ્હી,
૨૬, જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ વર્ષના આપવામાં આવનારા ભારત રત્ન એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા ત્રણ હસ્તીઓના નામ આ સર્વોચ્ચ સન્માન માટે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ડો. ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખ છે.
ભારત રત્ન ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા કુલ ૧૧૨ લોકોને પદ્મ પુરસ્કાર આપવા માટેની જાહેરાત કરી છે, જેમાં ૪ લોકોને પદ્મ વિભૂષણ, ૧૪ લોકોને પદ્મ ભૂષણ અને ૯૪ લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

જે લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે, જેમાં ૨૧ મહિલાઓ છે. આ ઉપરાંત ૧૧ વિદેશી વ્યક્તિઓ, ૩ લોકોને મરણોપરાંત અને એક ટ્રાંસજેન્ડરને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
પ્રણવ મુખર્જી :
પ્રણવ મુખર્જીની વાત કરવામાં આવે તો, તેઓ કોંગ્રેસના મોટા નેતાઓમાં શામેલ છે અને તેઓ વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ દરમિયાન ભારતના ૧૩માં રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ પોતાના ૫ દાયકાના રાજનૈતિક જીવનમાં ઘણા મહત્વના પદો પર કામ કરી ચુક્યા છે, જેમાં UPA સરકારમાં રક્ષા, વિદેશ અને નાણા મંત્રાલય શામેલ છે.
નાનાજી દેશમુખ :
નાનાજી દેશમુખએ દેશના સામાજિક કાર્યકર્તા છે, જેઓએ શિક્ષા, સ્વાસ્થ્ય અને ગ્રામીણ આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં કામ કર્યું છે. આ પહેલા તેઓને પદ્મ વિભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે.
ભૂપેન હજારિકા :
ભૂપેન હજારિકા એ આસામના સંગીતકાર, ગાયક, કવિ અને ફિલ્મ નિર્માતા હતા. તેઓએ રાષ્ટ્રીય સ્તર પર આસામ અને પૂર્વોત્તર ભારતને લોક સંગીત અને સંસ્કૃતિને હિન્દી ફિલ્મોમાં માધ્યમથી રજૂ કર્યું હતું.
આ પહેલા તેઓને ૧૯૭૫માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, સંગીત નાટક એકેડમી પુરસ્કાર (૧૯૮૭), પદ્મશ્રી (૧૯૭૭) અને પદ્મભૂષણ (૨૦૦૧)થી સન્માનિત કરાયા છે.
