મંતવ્ય ન્યૂઝ,
ભુજ તાલુકાના ધાણેટી અને BKT કંપની વચ્ચેના માર્ગ પર આજે વહેલી સવારે સર્જાયેલા ગોઝારા માર્ગ અકસ્માતમાં બે યુવતી સહિત 3 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે સાતને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે.
આ અકસ્માત અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ-માધાપરના ત્રણ પરિવારો મહેસાણા વોટરપાર્કની મજા માણી આજે સવારે ઇકો કારમાં પરત ફરી રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. સામેથી આવતા આઇસર ટ્રક અને કાર ટકરાતાં ઇકો કારનો કડુસલો બોલી ગયો હતો. જેમાં કારના ડ્રાઇવર રાજેશ પ્રભાશંકર ગોર, હિરલબા રાજુભા વાઘેલા અને પૂજાબેન ધનજીભાઇ ભુડીયાના મોત નીપજ્યાં હતા. તે સિવાય દુર્ઘટનામાં શ્વેતા અરુણભાઇ ગોર, કસ્તુરબેન ધનજીભાઇ ભુડયા, સન્ની રાજેશ જોશી, રિધ્ધિ રાજેશ જોશી, હેત્વી રાજેશ ગોર, ધરમબા રાજુભા વાઘેલા અને સ્નેહા મનીષભાઇ મોતાને ફ્રેક્ચર સહિતની હળવી ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે જી.કે. જનરલ હોસ્પિટલે ખસેડાયાં હતા. દુર્ઘટના સર્જનારા ટ્રકચાલકની પધ્ધર પોલીસે અટકાયત કરી લીધી છે. આ ઘટનાએ પંથકમાં ભારે અરેરાટી સર્જી છે.
