હિંમતનગરના ચાંપલાનાર ગામે એક અનોખો વરઘોડો નીકળ્યો હતો જેમાં ઢોલ ઢબુક્યાં હતા..શરણાઈઓ વાગી હતી..મંગલ ગીતો ગવાયા હતા…જાનૈયા નાચ્યાં હતા…વરઘોડો નીકળ્યો હતો…પણ આ લગ્ન વરઘોડા સુધી જ સીમિત રહ્યાં હતાં.
સાબરકાંઠાના ચાપલનાર ગામમાં કાકાએ પોતાના ભત્રીજાના ઘોડે ચઢવાનાં અરમાન પૂર્ણ કરવા માટે આ આખા લગ્નને ઓપ આપ્યો હતો અને આમ તેમણે પોતાના ભત્રીજાની ઇચ્છાને પૂર્ણ કરી હતી.
ચાંપલનાર ગામનો અજય ઉર્ફ પોપટ માનસિક રીતે દિવ્યાંગ છે અને તેને બાળપણથી જ ઈચ્છા હતી કે તેનો વરઘોડો નીકળે.ગામમાં જ્યારે પણ કોઈના લગ્નનો વરઘોડો નીકળે ત્યારે અજયને પણ પોતાનો વરઘોડો ક્યારે નીકળશે તેવો સવાલ થતો.

અજયના પિતા વિષ્ણુભાઈએ જણાવ્યું કે , ચાંપલાનાર ગામમાં ગમે તેનું લગ્ન હોય કે નવરાત્રી નાચવામાં અજય સૌથી આગળ હોય. બીજાના લગ્નના વરઘોડા જોઇને અજય હમેશા પૂછતો કે એના લગ્ન ક્યારે ? અને આ સવાલ સાંભળી મારી અને મારી પત્ની જે અજયની સાવકી હોવા છતાં પોતાની સગી માતા કરતા સવિશેષ એવી તેની માતાની આંખમાં આંસુ આવી જતા.
જો કે માનસિક રીતે મંદ બુધ્ધિ હોવાથી અજયના લગ્ન શક્ય નહોતા.પરંતુ અજયની અદમ્ય ઈચ્છા જોતા તેના કાકાએ કમલેશભાઈએ તેનો વરઘોડો કાઢવાનું નક્કી કર્યું.
કમલેશભાઈએ અજયના વરઘોડાની કંકોતરી પણ છપાવી ગુરુવારે ગણેશ સ્થાપન ગ્રહશાંતિ પણ કરી અને મુલતાની માટીથી પીઠી પણ ચોળી અને શુક્રવારે બેન્ડવાજા સાથે વરઘોડો કાઢ્યો હતો.
આ લગ્નમાં ગણેશ સ્થાપન, ગ્રહશાંતિ, વરઘોડો અને જમણવાર હતો પરંતુ લગ્નના ફેરા ન હતા. અનોખા લગ્નમાં અજય ઘોડા પર બેસવાની ઈચ્છા પણ પૂર્ણ કરી હતી અને તે જાનૈયાઓ સાથે નાચ્યો પણ હતો. આ લગ્ન સમારંભની એક દિવસ ધામધૂમથી બારોટ પરિવારે માણીને માનસીક ક્ષતિગ્રસ્ત અજયની ઈચ્છા પૂર્ણ કરી હતી.
