અમદાવાદ,
પ્રદુષણથી ત્રસ્ત અમદાવાદને લીલુછમ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને કાયદાકીય દંડો વીંઝવાનું નક્કી કર્યું છે.અમદાવાદની જે સોસાયટીઓમાં વૃક્ષનું પ્રમાણ ઓછું હશે તેને દંડ ફટકારવાનો નિર્ણય કોર્પોરેશન કરી શકે છે.
કોર્પોરેશનના સુત્રોના જણાવ્યા પ્રમાણે બિલ્ડિંગ યુઝ પરમિશન લેતી વખતે સોસાયટીએ જેટલા વૃક્ષોની સંખ્યા દર્શાવી હોય જો તેના કરતા હાલમાં સોસાયટીમાં ઓછા વૃક્ષ હશે તો દરેક ઓછા વૃક્ષ દીઠ સોસાયટીને 50 હજારથી 1 લાખ સુધીનો દંડ ફટકારી શકાય છે. આ નિયમ કોમર્શિયલ બિલ્ડિંગને પણ લાગુ પડાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની સોસાયટીઓનો સર્વે કરવાનું નક્કી કર્યું છે.30 એપ્રિલના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બધી જ ઝોનલ ઑફિસને ઈન્સ્પેક્શન શરૂ કરવા સરક્યુલર મોકલાવ્યો હતો.
અમદાવાદમાં કોર્પોરેશન દ્રારા 3500 જેટલી રહેણાંક અને કોમર્શિયલ સોસાયટીનું ઈન્સ્પેક્શન કરાશે.ટાઉન પ્લાનિંગ રેકોર્ડ અનુસાર સોસાયટીમાં વૃક્ષોની જેટલી સંખ્યા દર્શાવી હશે તેના કરતા ઈન્સ્પેક્શન સમયે વૃક્ષની સંખ્યા ઓછી હશે તો સોસાયટીએ ભારે દંડ ભરવો પડશે. આવી સોસાયટીઓએ કોર્પોરેશન તરફથી શો કોઝ નોટિસ અને દંડ માટે તૈયાર રહેવું પડશે
કોર્પોરેશનના સુત્રોના કહેવા પ્રમાણે સોસાયટીએ કોર્પોરેશનને વૃક્ષોની વાવણીના ફોટા મોકલવા પડશે. આ ફોટા રેકોર્ડ તરીકે સચવાશે. તેના આધારે નોટિસો મોકલવામાં આવશે.
