નવસારીના સાંઢકુવા વિસ્તારમાં થઈ લૂંટ
વેપારી પાસેથી બેગ ઝૂંટવી 3 શખ્સ ફરાર
હીરાના પેકેટ લઈને ઘરે જતી વખતે લૂંટ
હાથાપાઈ કરી હીરાની બેગ લઈ 3 ઈસમો ફરાર
ટાઉન પોલીસ સહિત ACB ની ટીમો ઘટનાસ્થળે
નવસારીનાં સાંઢકુવા વિસ્તારમાં મંગળવારે સાંજે હીરા વેપારીને ચાલુ બાઈકે આંતરીને ત્રણ બુકાનીધારીઓ ૬૦ લાખના હીરા ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા નવસારી ટાઉન પોલીસ તેમજ એલસીબી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લૂટારૂઓનું પગેરૂ શોધવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર નવસારીના સત્તાપીર વિસ્તારમાં આવેલા ડાયમંડ ટ્રેડ સેન્ટરમાં હીરાની પેઢીનાં એકાઉન્ટન્ટ સુરેશ શાહ મંગળવારે સાંજે સાડા છ વાગ્યે પોતાની એકટીવા ઉપર હીરા ભરેલી બેગ લઇને પોતાને ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સાંઢકુવા વિસ્તારમાં અજીત સોસાયટી પાસે દેરાસરની નજીક પાછળથી એક નકાબધારી બાઈક સવારે તેમને ધક્કો મારી પાડી નાખ્યા હતા.
બાદમાં સામેથી બીજા બે બુકાનીધારીઓએ આવીને હીરા એકાઉન્ટન્ટ પાસેથી અંદાજે ૬૦ લાખ રૂપિયા કિમંતના અંદાજે ૩ હજાર કેરેટ હીરા ભરેલી કાળા રંગની બેગ ઝુટવી ઘટના સ્થળેથી ફરાર થયા હતા. સમગ્ર ઘટનામાં એકાઉન્ટન્ટ સુરેશ શાહને પગમાં ઈજા પણ થઇ હતી. ઘટનાની જાણ થતા નવસારી ટાઉન પોલીસ સહીત એલસીબી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસે એકાઉન્ટન્ટ સુરેશ શાહની પૂછપરછ સહીત સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા, જેમાં ૬ માંથી ૧ કેમેરો ચાલુ હોવાથી તેની તપાસ કરી લૂટારૂઓનું પગેરૂ શોધી કાઢવાનાં પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા સુરત રેંજ આઈજીપી રાજકુમાર પાંડિયન પણ નવસારી દોડી આવ્યા હતા.
ઘટના સ્થળની મુલાકાત લઇ સમગ્ર રેંજમાં નાકાબંધી કરી વાહન ચેકિંગનાં આદેશ આપ્યા હતા. જયારે ઘટનાને પગલે નવસારીનાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, ડાયમંડ એસોસીએશનના પદાધિકારીઓ પણ ઘટના સ્થળે બાદમાં ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા. જેમાં એસોસીએશન પ્રમુખે પણ વેપારીઓને જોખમ હોય તો સાવચેતી રાખવા અને જોખમ સાથે હોય તો એકલા ન નીકળવાની સલાહ આપી હતી.
ઘટનામાં 3 પૈકી બે લૂંટારૂઓ સીસીટીવીમાં કેદ થયા હતા. સાંઢકૂવા પોલીસ ચોકીથી 200 મીટરના અંતરે લૂંટ થતા વેપારીઓ પોલીસ મથકે પહોંચતા પોલીસે તેઓને અટકાવ્યા હતા. લૂંટારૂઓએ રેકી કરી હોવાનું જણાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
